Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વોશિંગ્ટન સહિત અમેરિકાના ૪૦ શહેરોમાં કર્ફયુ : વ્હાઇટ હાઉસ પર વિરોધ દરમિયાન ટ્રમ્પને બંકરમાં લઇ જવાયા

અશ્વેતના મોત પર અમેરિકામાં હિંસા - આગજની - પથ્થરમારો : અશ્રુવાયુ છોડાયા

નવી દિલ્હી તા. ૧ : વ્હાઇટ હાઉસની બહાર હજારો દેખાવકારો ભેગા થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસના બંકરમાં લઇ જવામાં આવ્યા. જેમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના શુક્રવારે રાત્રે થયેલી. જ્યારે જ્યોર્જ ફલોયડના મોત વિરૂધ્ધ દેખાવો અનેક શહેરોમાં ફેલાઇ ગયો છે.

જ્યોર્જ ફલોયડના મોત બાદ અશ્વેતોના દેખાવો ઉગ્ર થઇ રહ્યા છે અને હિંસા ફાટી નીકળી છે તેમજ આગચંપીના બનાવો બની રહ્યા છે. હવે આ હિંસા વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. ટ્રમ્પને બંકરમાં અંદાજે એક કલાક રાખવામાં આવ્યા જેને ત્રાસવાદી હુમલા જેવી આપાત સ્થિતિઓમાં ઉપયોગ માટે લેવાય છે.

વ્હાઇટ હાઉસની પાસે સ્થિતિ બગડતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસ પર પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવા માટે સિક્રેટ સર્વિસ એજન્ટસે રોયટ ગિયર (દંગારોધી પોશાક) પહેરવો પડ્યો હતો. આપને જણાવી દઇએ કે અશ્વેત વ્યકિત જયોર્જ ફલોયડના મોતનો વીડિયો વાયરલ થયા બાદથી જ અમેરિકાના કેટલાંય શહેરોમાં શુક્રવારના રોજ હિંસક પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. તેમાંથી કેટલાંક પ્રદર્શનોએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું અને પોલીસની સાથે પ્રદર્શનકારીઓને ઝપાઝપી થઇ.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ-અલગ શહેરોમાં ફાટી નીકળેલ હિંસા માટે વામપંથને જવાબદાર ગણાવ્યા છે. તોફાનો નિર્દોષ લોકોને ડરાવી રહ્યા છે, નોકરીઓને નષ્ટ કરી રહ્યા છે, બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યા છે અને બિલ્ડિંગ્સને સળગાવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે જયોર્જ ફલોયડની યાદને તોફાનીઓ, લૂંટારૂઓ અને અરાજકતાવાદીઓએ બદનામ કર્યા છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું કે નેશનલ ગાર્ડને મિનિયાપોલિસમાં સ્થિતિને કાબૂમાં કરવા માટે ઉતારી દીધા છે જે ડેમોક્રેટિક પાર્ટીના મેયર કરી શકયા નહીં. આનો બે દિવસ પહેલાં જ ઉપયોગ થવો જોઇતો હતો. હવે બીજું કોઇ નુકસાન થશે નહીં. (૨૧.૧૯)

(11:38 am IST)