Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સંગીતકાર જોડી સાજિદ- વાજિદના વાજિદ ખાનનું નિધન

દબંગ અને વોન્ટેડ જેવી હિટ ફિલ્મોમાં હિટ ગીતો કંપોઝ કરનાર સંગીતકારનું ૪૨ વર્ષની વયે નિધન થતા બોલિવૂડમાં શોકનું મોજુઃ લગભગ બે મહિનાથી હોસ્પિટલમાં હતા દાખલઃ વાજિદ ખાનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે

મુંબઈ, તા.૧: સલામાન ખાનને પાર્ટનર, દબંગ, વોન્ટેડ જેવી ફિલ્મોમાં સુપરડુપ હિટ ગીતો આપનારા સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું ૪૨ વર્ષની ઉંમરે રવિવાર રાત્રે નિધન થઈ ગયું છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે 'હમકો પીની હૈ', 'મેરા હી જલવા' સહિત અનેક હિટ ગીતો પણ ગાયા છે.

ટીવી અને સિનેમા જગતની વિશ્વસનીય ખબરો રાખનારા સલિલ અરૂણકુમારએ જણાવ્યું કે વાજિદને કિડનની સમસ્યાના કારણે લગભગ ૬૦ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લગભગ ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેઓ ડાયાબિટીક પણ હતા. જોકે કોરોનાના લક્ષણ જોતા અને સુરક્ષા કારણોને કારણે વાજિદની અંતિમ યાત્રામાં માત્ર બે લોકો જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

સલિલ અરુણકુમાર સંડ અનુસાર, વાજિદની દફનવિધિ વર્સોવાના કબ્રસ્તાનમાં કરવામાં આવશે. તેમની કબર ઇરફાન ખાનની પાસે હશે.

વાજિદના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સંગીતકાર અને સિંગર તેમના નિધનને જોરદાર આંચકો માની રહ્યા છે. પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમ, સલીમ મર્ચન્ટ, માલિની અવસ્થી, અરુણ કુમાર સંડ સહિત બોલિવૂડ સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે.

સાજિદ-વાજિદને તેમના હિટ મ્યૂઝિકના કારણે સમગ્ર દેશમાં અલગ ઓળખ ઊભી કરી હતી. બંનેએ દબંગ ૩, ફેમિલો ઓફ ઠાકુરગંજ, પાગલપંતી, સત્યમેવ જયતે, જુડવા ૨, ફ્રીકી અલી, કયા કૂલ હૈ હમ ૩, સિંહ ઇઝ બ્લિંગ, ડોલી કી ડોલી, તેવર, દાવત એ ઇશ્ક, બુલેટ રાજા, મેં તેરા હીરો, હીરોપંતી, દબંગ ૨, સન ઓફ સરદાર, કમાલ ધમાલ માલામાલ, એક થા ટાઇગર, તેરી મેરી કહાની, રાઉડી રાઠોડ, હાઉસફુલ ૨, નો પ્રોબ્લમ, દબંગ, વીર, વોન્ટેડ, વેલકમ, પાર્ટનર, તેરે નામ, હમે તુમ્હારે હૈ સનમ, બ્રધર, પ્યાર કિયા તો ડરના કયા, જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું હતું.

આ જોડી સલમાન ખાન માટે હંમેશાથી હિટ ગીતો આપતી રહી. બાદમાં વાજિદે સલમાન ખાન માટે ગીતો ગાવાનું પણ શરૂ કર્યું હતું. તેમાં પાંડે જી સીટી, ફેવિકોલ સે, માશાલ્લાહ, હમકા પીની હૈ, હુડ હુડ દબંગ, જલવા, તોસે પ્યાર કરતે હૈ, જેવા ગીતો સામેલ છે.

(10:56 am IST)