Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોના મહામારી

ભારત સાતમાં ક્રમે : જર્મની - ફ્રાંસને વટી ગયું

નવી દિલ્હી તા. ૧ : રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ફરી એકવાર રેકોર્ડ ૮૩૮૦ નવા કેસો આવ્યા પછી કોરોનાના કુલ કેસ બાબતે હવે ભારત એક જ દિવસમાં જર્મની અને ફ્રાંસને પાછળ રાખીને સાતમાં નંબરે પહોંચી ગયું હતું. થોડા દિવસ પહેલા ભારત ૧૧માં નંબર પર હતું પણ પછી નવા કેસોમાં ઝડપી વધારો થતા હવે તે ઇરાન, તુર્કી, જર્મની અને ફ્રાંસને પાછળ રાખી ચુકયું છે. આઠમાં સ્થાને તે રવિવારે સાંજે લગભગ પોણાસાતે પહોંચ્યું હતું. રાતના પોણા દસ વાગ્યે તે ફ્રાંસને પાછળ રાખીને સાતમાં નંબરે પહોંચી ગયું હતું.

કેસની સંખ્યામાં વધારાની સ્થિતિ જો આવી જ રહી તો થોડા જ દિવસોમાં તે ઇટલીને પણ પાછળ રાખીને છઠ્ઠા નંબરે પહોંચી જશે. અત્યારે કોરોનાના કુલ કેસ બાબતે અમેરિકા પહેલા નંબર પર છે. ત્યાં લગભગ ૧૮ લાખ ૨૪ હજાર કેસ આવી ચૂકયા છે અને એક લાખ ૬ હજારથી વધારેના મોત થયા છે. ત્યાર પછી રશિયામાં ૪ લાખથી વધારે કેસ છે. ત્રીજા નંબર પર રહેલા બ્રિટનમાં બે લાખ ૭૩ હજાર કેસ છે. ભારતથી એક નંબર આગળ રહેલા ઇટલીમાં અત્યાર સુધીમાં બે લાખ ૩૩ હજાર કેસ છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા ૧ લાખ ૯૦ હજારની નજીક પહોંચી છે.

(10:01 am IST)