Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

RTI કાર્યકર્તાએ જમા અને ખર્ચનું વિવરણ આપ્યુ

લ્યો બોલો! CMના કોવિડ-૧૯ રિલીફ ફંડમાં આવ્યાં અધધ ૩૪૨ કરોડઃ સરકારે ખર્ચ્યા ૨૩ કરોડ!

મુંબઇ, તા.૧: કોરોના વાયરસ સંકટ સામે લડવા માટે લોકોએ કરોડો રૂપિયાનું દાન રાજય સરકારોનાં CM રિલીફ ફંડમાં જમા કરાવ્યું છે પરંતું જે તે રાજય સરકારોની અણઆવડતનાં કારણે તેનો યોગ્ય ઉપયોગ થઇ શકયો નથી.જેમ કે મહારાષ્ટ્રના CM રિલીફ ફંડ કોવિડ-૧૯ એકાઉન્ટમાં દાનદાતાઓની મદદથી ૩૪૨ કરોડ જમા થયા પણ કોરોના વાયરસના નામ પર માત્ર ૨૩.૮૨ કરોડ રૂપિયા જ ખર્ચ કરવાની વાત સામે આવી છે.

આ જાણકારી RTI કાર્યકર્તા અનિલ ગલગલીને સીએમ રિલીફ ફંડ તરફથી આપવામાં આવી છે. મોટી વાત એ છે કે, સૌથી વધુ રકમ ૫૫.૨૦ કરોડ રૂપિયા પરપ્રાંતિય મજૂરોની મુસાફરી પર ખર્ચ થયા છે.

RTI કાર્યકર્તા અનિલ ગલગલીએ રિલીફ ફંડ કોવિડ ૧૯ એકાઉન્ટમાં જમા કુલ રકમ અને ખર્ચવામાં આવેલી રકમનું વિવરણ માગ્યું હતું. સીએમ રિલીફ ફંડના સહાયક લેખાધિકારી મિલિન્દ કાબાડીએ અનિલ ગલગલીને જમા અને ખર્ચવામાં આવેલી રકમનું વિવરણ આપ્યું.

આમાં ૧૮ મે ૨૦૨૦ સુધી કુલ ૩૪૨.૦૧ કરોડની રકમ જમા થઈ છે. આ રકમમાંથી કુલ ૭૯,૮૨,૩૭,૦૭૦ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. ખર્ચ થયેલી રકમમાંથી કોવિડ-૧૯ પર માત્ર ૨૩,૮૨,૫૦,૦૦૦ ખર્ચવામાં આવ્યા છે. આમાંથી ૨૦ કરોડ સેન્ટ જયોર્જ હોસ્પિટલ, મુંબઈને ફાળવવામાં આવ્યા અને ૩,૮૨, ૫૦,૦૦૦ના રકમ મેડિકલ શિક્ષણ તથા સંશોધન વિભાગને આપવામાં આવી છે.

પ્રવાસી મજૂરો માટે જે રકમ ફાળવવામાં આવી છે તેને રાજયના કલેકટર્સને સોંપવામાં આવી છે જેથી રેલવેના ભાડાની સમયસર ચૂકવણી થઈ શકે.આમાં ૩૬ જિલ્લા સ્થિત પ્રવાસી મજૂરોનું ભાડું ૫૩,૪૫,૪૭, ૦૭૦ કહેવામાં આવી રહ્યું છે. રત્નાગિરી જિલ્લા સ્થિત મજૂરના રેલવેનું ભાડું ૧.૩૦ કરોડ અને સાંગલી સ્થિત મજૂરોના રેલવેનું ભાડું ૪૪.૪૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે.

ઔરંગાબાદ સ્થિત રેલવે દુર્દ્યટનામાં પ્રતિ મૃતક વ્યકિત ૫ લાખ રૂપિયાના હિસાબથી ૮૦ લાખ રૂપિયાની આર્થિક મદદ સીએમ રિલીફ ફંડ કોવિડ-૧૯ના એકાઉન્ટથી કરવામાં આવી છે.અનિલ ગલગલી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ માટે કુલ જમા રકમમાંથી માત્ર ૭ ટકા રકમ સ્વાસ્થ્ય સેવા પર ખર્ચવામાં આવ્યા છે.

પ્રવાસી મજૂરોની રેલવે ટિકિટ પર ૧૬ ટકા રકમ ખર્ચ કરવામાં આવી છે અને રેલવે દુર્ઘટનાના મૃતકો પર ૨૩ ટકા રકમ ખર્ચવામાં આવી. આજે પણ સીએમ રિલીફ ફંડમાં ૨૬૨.૨૮ કરોડ રૂપિયાની રકમ પડી છે.

અનિલ ગલગલીએ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને ચિઠ્ઠી લખીને માગણી કરી છે કે મનપા, સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સંબંધિત સેવાઓની પૂર્તિ પર પૈસા ખર્ચ થાય છે તો નિશ્ચિતપણ દાનદાતાઓને પણ સંતોષ મળશે કે, તેમના નાણાં યોગ્ય કામમાં ઉપયોગમાં લેવાયા છે.

૨૮ માર્ચ ૨૦૨૦ના રોજ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ મહામારીના પ્રભાવથી નિપટવા માટે સરકારની મદદ કરવા માટે મુખ્યમંત્રી રાહત કોષ કોવિડ-૧૯ના સ્થાપના કરી હતી અને લોકોને તેમાં પૈસા દાન કરવાની અપીલ કરી હતી.

આ દાન કલમ 80 (G) અંતર્ગત ટેકસમાં રાહતમાન્ય છે. બેંક એકાઉન્ટ નંબર ૩૯૨૩૯૫૯૧૭૨૦ છે, બેંક કોડ ૦૦૩૦૦ અને IFSC કોડ SBIN ૦૦૦૦૩૦૦ છે. ઘણા NGO, કોર્પોરેટ અને ધાર્મિક સંગઠન સંકટ દૂર કરવા માટે રાજયના પ્રયાસોમાં યોગદાન આપવા આગળ આવી રહ્યાં છે.

(10:00 am IST)