Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અમેરિકામાં કોરોનાથી ૨૪ કલાકમાં ૫૯૮નાં મોત

હિંસાના કારણે વાયરસ વધુ ફેલાવાનો ભય

ન્યુયોર્ક, તા.૧: અમેરિકામાં કોરોના વાયરસના કારણે થઈ રહેલા મૃત્યુના આંકડામાં પાછલા ૨૪ કલાકમાં દ્યટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૫૯૮ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક એક લાખ ૪ હજારને પાર થઈ ગયા છે.આ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૭ લાખને પાર થઈ ગયો છે. આ આંકડો દુનિયાનો સૌથી મોટો આંકડો છે.

જોન્સ હોપકિંન્સના આંકડા પ્રમાણે અમેરિકામાં રવિવારે વધુ ૫૯૮ મૃત્યુ સાથે કુલ મૃત્યુનો આંકડો ૧૦૪,૩૫૬ કેસ થઈ ગયા છે. દેશમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો ૧૭,૮૮,૭૬૨ થઈ ગયો છે. અમેરિકામાં કોરોના વાયરસની વચ્ચે અશ્વેતની હત્યા બાદ હિંસા ભડકી છે જે મોટી ચીતા ઉભી કરી રહી છે.

કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અહીં સતત કોરોના પોઝિટિવ કેસ અને કોરોના વાયરસના કારણે થનારા મૃત્યુના આંકડામાં વધારો થઈ રહ્યો છે. જોકે, પાછલા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડામાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસની ચેન તોડવા માટે દેશમાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે અઢી કરોડ કરતા વધારે લોકોએ પોતાના નોકરી-ધંધા ગુમાવ્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના ખતરા વચ્ચે ૨૫ કરતા વધારે શહેરોમાં હિંસા ભડકી છે અને આક્રામક પ્રદર્શન કરવામાં આવ્યા જેના કારણે કોરોના વાયરસ વદ્યારે ફેલાવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. મોટી સંખ્યામાં પોલીસે કરેલી કાર્યવાહીનો વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઉતરીને તોડફોડ અને આગજની કરી રહ્યા છે. આવામાં દુકાનોમાંથી સામાન લૂંટાઈ રહ્યો હોવાના પણ બનાવ બની રહ્યા છે.

પ્રદર્શનમાં અમેરિકાના મુખ્ય ગણાતા શહેરો ન્યુયોર્ક, લોસ એન્જલસ, કેલિફોર્નિયા અને વોશિંગટન છે. હિંસા પર રોક લગાવવા માટે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે મિન્નેસોટા અને જોર્જિયામાં ઈમરજન્સી પણ જાહેરા કરવામાં આવી હતી.

જોન્સ પોપકિંન્સના કોવિડ-૧૯ ડેશબોર્ડ મુજબ અમેરિકા બાદ દુનિયામાં કોરોના વાયરસની સ્થિતિ આ પ્રમાણે છે- બ્રાઝિલ (૫,૧૪,૮૪૯), રશિયા (૪,૦૫,૮૪૩), યુકે (૨,૭૬,૧૫૬), સ્પેન (૨,૩૯,૪૭૯), ઈટાલી (૨,૩૨,૯૯૭) આ પછી ૮માં નંબર પર ૧,૯૦,૬૦૯ કેસ સાથે ભારતનો નંબર આવે છે અને ૯ નંબર પર ૧,૮૯,૦૦૯ કેસ સાથે ફ્રાન્સ અને ૧૦માં નંબરે ૧,૮૩,૪૧૦ કેસ સાથે જર્મનીનો નંબર આવે છે.

(9:59 am IST)