Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અતૂલ્ય નામનું માઇક્રોવેવ સેનેટાઇઝર 'અતૂલ્ય' રાખશે ઘરને કોરોનામુકત

ડીઆરડીઓએ ઘર - ઓફિસમાં વપરાય તેવું સેનેટાઇઝર બનાવ્યું

નવી દિલ્હી તા. ૧ : ઘર - ઓફિસમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે વ્યાજબી કિંમતનું અને સુરક્ષિત માઇક્રોવેવ સેનેટાઇઝર મશીન 'અતુલ્ય' ટુંક સમયમાં બજારમાં આવવાનું છે. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ તેને તૈયાર કર્યું છે. તે સામાન પર લાગેલા કોઇ વાયરસ અથવા હવામાં ઉપસ્થિત કોરોના વાયરસને પળવારમાં નિષ્ક્રીય કરી દેશે.

અત્યારે ઓફિસ અથવા ઘરને સંક્રમણ મુકત કરવા માટે રાસાયણિક છંટકાવ કરવાની ટેકનીક ઉપયોગમાં લેવાય છે. ઉપકરણ, કેમિકલ અથવા સેનેટાઇઝરની કિંમત જોતા તે ઘણું મોંઘુ પડે છે. ત્યારે 'અતુલ્ય' એકદમ કિફાયતી છે. ડીઆઇએટી (ડીફેન્સ ઇન્સ્ટીટયૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી) પૂણેએ તેને તૈયાર કર્યું છે.

ડીઆઇએટીના ઇલેકટ્રોનિક અને કોમ્પ્યુટર એન્જીનિયરીંગ વિભાગના વડા પ્રોફેસર કે.પી.રેએ જણાવ્યું કે, આને બનાવવાની ટેકનીક હસ્તાંતરિત થઇ ચૂકી છે. આશા છે કે, ૧૫ દિવસમાં તે વેચાણ માટે ઉપલબ્ધ થશે. તેમાં ફકત વિજળીનો ખર્ચ થશે. જે સામાનને સંક્રમણ રહિત કરવો હોય તેને આ મશીન સામે લાવવાનો રહેશે.

'અતૂલ્ય'ની વિશેષતાઓ

.   ૬૦ ડીગ્રી સુધીના માઇક્રોવેવ રેડીયેશનની ક્ષમતા

.   ૫ હજાર રૂપિયા આસપાસ કિંમત

.   કયાંય પણ લઇ જવામાં સરળ

.   ૩ કિલો વજન

.   ૩૦ સેકન્ડમાં કોરોના વાયરસને કરશે નિષ્ક્રીય

(9:59 am IST)