Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નવી રસીની શોધઃ કોરોના વાયરસને ૯૯ ટકા મારવાનો દાવો

બ્રિટનમાં ચાલી રહી છે કલીનીકલ ટ્રાયલઃ ટૂંક સમયમાં થર્ડ કલીનીકલ ટ્રાયલ પુરૂ થશે

નવી દિલ્હી, તા. ૧ :. લોકડાઉનમાં તમામ પ્રકારની છૂટ મળ્યા બાદ હવે કોરોના વાયરસથી બચવાની ચિંતા બધાના મનમાં પહેલા કરતા વધી ગઈ છે. એવામાં એક દવા કંપની સામે આવી છે. જેણે દાવો કર્યો છે કે અમે હાલમાં જ તૈયાર કરેલ રસી કોરોના વાયરસ પર ઘણી અસરકારક થઈ છે. કંપનીએ એવુ પણ કહ્યુ છે કે આ રસીથી કોરોના વાયરસને ૯૯ ટકા સુધી સમાપ્ત કરી શકાય છે.

દવા બનાવતી કંપની સિનોવેક બાયોટેકે દાવો કર્યો છે કે અમે કોરોના વાયરસ સામે લડનાર રસી તૈયાર કરી છે. આ રસી આ વાયરસ પર ૯૯ ટકા અસરદાર સાબિત થઈ છે. ચીનની દવા કંપનીએ માહિતી આપી છે કે રસીના બે સ્ટેજ કલીનીકલ ટ્રાયલ ચાલુ છે. આ રસીના પ્રભાવને જાણવા માટે ઈંગ્લેન્ડમાં ૧૦૦૦ દર્દી પર કલીનીકલ ટ્રાયલ ચાલુ છે. ટૂંક સમયમાં જ ત્રીજી ટ્રાયલ પણ પુરી કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે દુનિયામાં ૧૦ રસી પોતાના અંતિમ પડાવમાં છે. આમાથી લગભગ બધા રસીના અત્યાર સુધીના પરિણામો સચોટ રહ્યા છે. બધી રસી કોરોના વાયરસ ઉપર અસરકારક સાબિત થઈ છે. અમેરિકી દવા કંપની મોર્ડના દ્વારા તૈયાર રસીની કલીનીકલ ટ્રાયલ પણ શરૂ થઈ છે. આ સિવાય બ્રિટનમાં તૈયાર થઈ રહેલ ઓકસફર્ડ યુનિ. દ્વારા નિર્મિત રસીની ટ્રાયલ પણ ચાલુ છે. આવતા બે સપ્તાહમાં રૂસ પણ પોતાની રસીની ટ્રાયલ શરૂ કરવાનું છે.

(9:58 am IST)