Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોના આકાર બદલીને પશુથી મનુષ્યમાં પ્રવેશે છે

વાયરસ માણસમાં કઈ રીતે આવ્યો તેના પર રિસર્ચ : કોરોના તેના આનુવંશિક ગુણોમાં ફેરફાર કરવાની ક્ષમતાને કારણે હ્યુમન બોડીમાં જીવંત રહી શકે છે

હ્યુસ્ટન,તા.૩૧ : કોરોના વાયરસને નાથવા માટે દુનિયાભરના દેશો તેની પર રિસર્ચ કરી રહ્યા છે, આ દરમિયાન એક રિસર્ચમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા કોરોના સંક્રમણને લઇને એક સવાલ એ પણ ઉભો થયો હતો કે પશુઓમાં રહેલો આ વાયરસ મનુષ્યમાં કેવી રીતે આવ્યો. આ મુદ્દે કરાયેલા એક અધ્યયનમાં સામે આવ્યુ છે કે કોરોના વાયરસ તેનો આકાર બદલીને પશુઓમાંથી માનવ શરીરમાં દાખલ થવા માટે સક્ષમ છે. રિસર્ચમાં કોવિડ-૧૯ અને પશુઓમાં આ પ્રકારના અલગ-અલગ વાયરસનો અભ્યાસ કરાયો હતો જે દરમિયાન ખાતરી કરવામાં આવી હતી કે કોરોના વાયરસ ચામાચિડીયાને સંક્રમિત કરે છે.

આ રિસર્ચ ટીમમાં અમેરિકાના અલ પાસોમાં ટેક્સાસ યૂનિવર્સિટીના વિજ્ઞાનીઓ પણ સામેલ હતા. આ અભ્યાસમાં કહેવામા આવ્યુ છે કે, સાર્સ-કોવ-૨ વાયરસની મનુષ્યોને ચેપી કરવાની ક્ષમતા સ્તનધારી પ્રાણી પેંગોલિનને સંક્રમિત કરતા કોરોના વાયરસ સાથે જિન આદાન-પ્રદાન સાથે જોડાયેલ છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે આ વાયરસ તેના આનુવંશિક ગુણોમાં ફેરબદસલ કરી મેજબાન કોશિકાઓમાં જીવંત રહી શકે છે. આ જ ક્ષમતાને લીધે આ ઘાતક એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં દાખલ થઇ શકે છે. અમેરિકાની ડ્યૂક યૂનિવર્સિટીના ફેંગ ગાઓનું કહેવુ છે કે સાર્સની જેમ કોરોના વાયરસ પણ તેના આનુવંશિક ગુણોમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. જેની મદદથી તે મનુષ્યોમાં ચેપ ફેલાવી શકે છે.

(12:00 am IST)