Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ભારતીય નાગરિકે UAEમાં ૧૨ કરોડની છેતરપિંડી કરી

માસ્ક, સેનેટાઈઝરની ખરીદી કરીને ચૂનો લગાવ્યો : ૫૦ વેપારીઓને ચૂનો લગાવીને વંદે ભારત મિશનની ફલાઈટ પકડીને યોગેશ વારિયા સ્વદેશ આવી ગયો

 નવી દિલ્હી, તા. ૩૧ : સંયુક્ત આરબ અમીરાતમાં એક ભારતીય નાગરિકે લગભગ ૫૦ વેપારીઓ પાસેથી ભારતીય ચલણ મુજબ રૂ.૧૨ કરોડનો સામાન લઈને ડિંગો બતાવ્યો હતો. ત્યારબાદ આરોપી ભારત સરકારથી ફસાયેલા નાગરિકો માટે મોકલેલી વિશેષ ફલાઈટ પકડીને સ્વદેશ આવી ગયો હતો. હાલ આરોપીની શોધખોળ જારી છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ આરોપીનું નામ યોગેશ અશોક યારિવા છે. તે ગત તા.૧૧મી મેએ વંદે ભારત મિશન અંતર્ગતના હવાઈ જહાજમાં અબુ ધાબીથી હૈદરાબાદ આવ્યો હતો. ૩૬ વર્ષીય યોગેશની રોયલ લક ફુડસ્ટફ નામથી ટ્રેડિંગ કંપની હતી. તેના માધ્યમથી જુદી જુદી કંપનીઓ પાસેથી ૧૨ કરોડ રૂપિયાના સામાનની ખરીદી કરી હતી. યોગેશ દ્વારા સામાન વેચનારી કંપનીઓને જૂની તારીખના ચેક આપ્યા હતા. ત્યારબાદ તે ભારત આવી ગયો. ઠગલીલાનો શિકાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી છે. હાલ તો ઠગલીલાના કેસમાં તેનો શિકાર બનેલા નવા નવા લોકો સામે આવી રહ્યા છે.

             એથી તેનો શિકાર બનેલા લોકોથી ખરીદવામાં આવેલા સામાનની યાદી પણ વધતી જઈ રહી છે. અત્યાર સુધીમાં જાણકારી મળ્યા મુજબ આરોપીએ ફેઈસ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, મેડિકલ ગ્લોવઝ, ચોખા, સુકોમેવો, મોઝરેલા ચીઝ, ફ્રોઝન ઈન્ડિયન બીફ સહિત અન્ય મોંઘા સામાનની ખરીદી કરી હતી. યોગેશએ આપેલા ચેકને જમા કરાવતા તે બાઉન્સ થયા હતા. એથી વેપારીઓને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તમામ વેપારીઓ તેની ઓફિસ અને ગોડાઉન પર જતાં ત્યાં તાળા જોવા મળ્યા હતા. હાલ સમગ્ર કેસ દુબઈ સ્થિતભારતીય રાજદૂતની કચેરી સુધી પહોંચતા ઠગાઈનો ભોગ બનેલા લોકોને દરેક પ્રકારની મદદ કરવાની હૈયાધારણ અપાઈ છે.

(12:00 am IST)