Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

લ્યો બોલો... હવે કાર નિર્માણમાં ઝંપલાવશે પતંજલિ

બાબા એકપણ સેકટર બાકી રાખવા માંગતા નથી

નવી દિલ્હી તા. ૧ : દેશની સ્વદેશી કંપની પતંજલિ દિવસેને દિવસે કંઈક નવી પ્રોડકટ સાથે બજારમાં આવી રહી છે. ત્યારે હવે યોગગુરુ રામદેવના પ્રવકતા એસકે તિજારાવાલાએ એક ટ્વિટ દ્વારા સંકેત આપ્યા છે કે આવનારા દિવસોમાં પતંજલિની કાર પણ બજારમાં આવી શકે છે. તિજારાવાલાએ ટ્વિટમાં લખ્યું, 'પતંજલિ પ્રત્ય અતૂટ ભરોસો અને પૂજય સ્વામી રામદેવ, આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન તથા નેતૃત્વમાં આસ્થાના પરિણામે જ કોર્પોરેટ જગતના દરેક ક્ષેત્ર જેવા કે ઈલેકિટ્રક કાર, સ્ટીલ, મોબાઈલ ચીપ વગેરે નિર્માતા અમને સમજૂતી માટે સંપર્ક કરી રહ્યા છે. અમે સ્વદેશી માટે પ્રતિબદ્ઘ છીએ.'

તિજારાવાલાએ પોતાના ટ્વિટમાં એક ન્યૂઝપેપરના પેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં કહેવાયું છે કે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેકટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે તેમની કંપનીએ હાલમાં આ વિશે નિર્ણય નથી લીધો. બાલકૃષ્ણએ કંપનીઓના નામ જાહેર કરવામાં હાલ કોઈ રસ દાખવ્યો નથી. જણાવી દઈએ કે હાલમાં જ પતંજલિએ ટેલિકોમ સેકટરમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. કંપનીએ ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે એક સ્વદેશી સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. એક કાર્યક્રમમાં યોગગુરુ રામદેવે સ્વદેશી સિમ કાર્ડને લોન્ચ કર્યું. જેનું નામ સ્વદેશી સમૃદ્ઘિ સિમ કાર્ડ રાખવામાં આવ્યું છે.

આ સિમ કાર્ડ હાલમાં પતંજલિના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. પરંતુ બાદમાં તેને બધા લોકો માટે ઉપલબ્ધ કરાવાશે. પતંજલિનું સિમ કાર્ડ ખૂબ ઓછી કિંમતોમાં ટેલિકોમ સેકટર સાથે ઉતરવાનું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં પ્લાન મુજબ પતંજલિ સિમ યુઝર્સને ૧૪૪ રૂપિયાના રિચાર્જમાં ૨જી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આટલું જ નહીં પતંજલિના પ્રોડકટ્સ પર યુઝર્સને ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

(4:46 pm IST)