Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આજથી 'આધાર 'થયું નિરાધાર:હવે વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે

12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકો છો

નવી દિલ્હી:યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ પહેલી જૂન એટલે કે આજથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવા નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે.આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ 'નિરાધાર બની જશે જોકે એનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે.

  આ વર્ચ્યુઅલ આઈડી એટલે શું? તેના શું ફાયદા? સામાન્ય જનતા તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશે? અને આ નવું આઈડી કેવી રીતે જનરેટ થશે? આ અંગેની રસપ્રદ માહિતી જાણવી જરૂરી છે

   આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેને જો આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવો એ પહેલી જૂનથી અનિવાર્ય રહેશે.

  આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.

 

  આ રીતે જનરેટ કરો તમારું VID : 

VID જનરેટ કરવા માટે UIDAIના હોમપેજ પર જાઓ.

હવે તમારા આધાર નંબરને તેમાં નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ એન્ટર કરો અને SEND OTP પર ક્લિક કરો.

જે મોબાઈલ નંબર તમારા આધાર સાથે રજિસ્ટર્ડ હશે તેના ઉપર તમને OTP આવશે.

OTP નાખ્યા બાદ તમને નવા VID જનરેટ  કરવાનું ઓપ્શન મળશે.

જ્યારે તે જનરેટ થઈ જાય ત્યારે તમારા મોબાઈલ નંબર પર તમારો વર્ચ્યુઅલ આઈડી મોકલી દેવામાં આવશે. એટલે કે તમને 16 અંકનો નંબર મળશે.

 

વર્ચ્યુઅલ આઈડીથી શું થશે? : 

તે તમને સત્યાપન સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.

વર્ચ્યુઅલ આઈડીથી નામ, એડ્રસ અને ફોટોગ્રાફ જેવી અનેક વસ્તુઓનું વેરિફિકેશન થઈ શકશે.

કોઈ યૂઝર જેટલી વાર ઈચ્છે તેટલી વાર વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી શકશે.

જૂના આઈડી આપોઆપ કેન્સલ થઈ જશે.

UIDAIના જણાવ્યાં મુજબ અધિકૃત એજન્સીઓને આધાર કાર્ડ હોલ્ડર તરફથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની મંજૂરી અપાશે નહીં.

(1:47 pm IST)