Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પેટ્રોલ ૬ - ડિઝલ પ પૈસા સસ્તુઃ મોટી રાહતનું એલાન ગમે ત્યારે

પ્રજાની નારાજગી દૂર કરવા ઉચ્ચકક્ષાએ બેઠકોનો ધમધમાટઃ મોટા ભાગે આજે મોડી રાત સુધીમાં ઈંધણના ભાવોમાં મોટો ઘટાડો જાહેર કરવામાં આવે તેવી શકયતા : પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસે મોડી રાત સુધી બેઠકઃ ઓએનજીસીના પ્લાન ઉપર વિચારણાઃ બોજો તેની ઉપર લાદી પ્રજાને રાજી કરવાની ફોર્મ્યુલા

નવી દિલ્હી તા. ૧ :. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જાહેર થયો છે. દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ ૬ પૈસે પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં પાંચ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે પ્રજા ઇચ્છે છે કે કોઇ મોટો ઘટાડો જાહેર કરવામાં આવે. દરમિયાન જાણવા મળે છે કે સરકાર આજે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લોકોને રાહત મળે તેવો ઘટાડો કરવાની ફોર્મ્યુલા જાહેર કરી શકે છે. ઓએનજીસીના પ્લાન ઉપર બેઠકોનો ધમધમાટ પાટનગરમાં ચાલુ હોવાનું જાણ વા મળે છે.

કર્ણાટકની ચૂંટણી પછી સતત ૧૬ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ બુધવારે પહેલીવાર ભાવ ઘટાડો જાહેર કરાયો હતો. જો કે બુધવારે માત્ર ૧ પૈસાનો ઘટાડો જાહેર થતાં પ્રજાએ ભારે નારાજી વ્યકત કરી હતી.

આજે દિલ્હીમાં પેટ્રોલ-૭૮.ર૯ અને ડિઝલ ૬૯.ર૦ પર થયું છે. કોલકતામાં ૮૦.૯ર અને ૭૧.૮પ, મુંબઇમાં ૮૬.૧૦ અને  ૭૩.૬૭, ચેન્નાઇમાં ૮૧.ર૮ અને ૭૩.૦૬ થયો છે.

આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ઘટી રહ્યો છે પણ તેનો ફાયદો લોકોને અપતો નથી.

મળતા અહેવાલો મુજબ પેટ્રોલ અને ડીઝલના બેકાબુ બની જતા પ્રજામાં નારાજી પ્રવર્તી રહી છે અને તેનો પડઘો તાજેતરની પેટાચૂંટણીમાં પણ જોવા મળ્યો છે તે પછી સરકાર હવે સફાળી જાગી છે અને મોટી રાહત આપવાની તૈયારી શરૂ કરી છે. દિલ્હીમાં પોતાના ઉપરનો ભાર ઓએનજી પર લાદી દેવા સરકાર માગે છે અને તે થકી પ્રજાને રાહત આપવા તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકાર એવુ ઈચ્છે છે કે ઓએનજીસી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી અને તેમા સમગ્ર પ્રક્રિયાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું.

સરકાર આજે રાત્રે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. સરકાર ભાવ વધારાની કાયમી ફોર્મ્યુલા અમલી બનાવવા માગે છે. સમગ્ર વર્ષ માટે ઓએનજીસીને આંતરરાષ્ટ્રીય ભાવ કરતા નીચા ભાવે ઈંધણ વેચવા જણાય તેવી શકયતા છે. ઓએનજીસી દેશની કુલ જરૂરીયાતના ૨૦ ટકા ઈંધણ સપ્લાય કરે છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ છે કે ઈંધણના ભાવ મામલે રાહત આપવા સરકાર લાંબાગાળાની યોજના ઉપર કામ કરી રહી છે. ભાવને નિયંત્રણમાં રાખવાની ફોર્મ્યુલા ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. જીએસટી હેઠળ તેને લાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એકસાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકીને સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ કાબુમાં રાખી શકે તેમ છે પણ સરકાર આવું કરવા નથી માગતી. એકસાઈઝ ડ્યૂટી ઘટાડ્યા વિના કઈ રીતે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડી શકાય તે અંગેના વિકલ્પો વિશે વિચારણા થઈ રહી છે. મંગળવારે પેટ્રોલનો ભાવ ઓલ ટાઈમ હાઈ ૭૮.૪૩ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો, જયારે ડિઝલનો ભાવ ૬૯.૩૧ રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યા મુબજબ રિટેલર્સને સબસિડી આપવા માટે સરકારે ઓએનજીસીને કહ્યું છે જેથી તેઓ ઓછી કિંમતે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી શકે. બજાર ભાવથી નીચી કિંમતે પેટ્રોલ-ડીઝલ વેચવા માટે ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જૂન ૨૦૧૫ સુધી ૪૦ ટકા જેટલી સબસિડી આપવામાં આવતી હતી. ત્યારે ફરીથી ૪૦ ટકા સબસિડી આપે તે અંગે સરકાર વાતચીત કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ સબસિડી આપવા મામલે નિર્ણય લેવા માટે વધુ બેઠક મળી શકે છે. જો કે બીજી બાજુ બેઠકના સમાચાર પ્રકાશમાં આવે તે પહેલાં ઓએનજીસીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શશિ શંકરે કહ્યું કે સબસિડી શેરિંગ બાબતે સરકાર તરફથી કોઇપણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૮ પૈસા અને ૬ પૈસાનો ઘટાડો થયો હતો, અને સરકાર ઈચ્છી રહી છે કે હજુ વધુ કિંમત ઘટાડી શકાય જે રિટેલરને સબસિડી આપવામાં આવે તો જ શકય છે.

(10:33 am IST)