Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, બજારોમાં નથી તેવી સિંગલ અને રહેણાક વિસ્તારની દુકાન ખુલી શકશે : અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે

ગૃહ મંત્રાલયે દરેક રાજ્યને નિયમોમાં ફેરફાર કરવા અને કઈ બાબતે છૂટછાટ આપવી અને શું ખુલશે શું નહીં તેનો નિર્ણય કરવા સતા આપી

નવી દિલ્હી : લોકડાઉન 0.3ની શરુઆત 4 મેથી દેશભરમાં થનાર છે ત્યારે સરકારે આ અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. આ માર્ગદર્શિકા અનુસાર આ ત્રીજા તબક્કાના લોકડાઉનમાં સરકારે કેટલીક છૂટછાટ આપી છે. તેમાં સૌથી મહત્વનું છે કે 4 મેથી સરકારે મોલ, મલ્ટીપ્લેક્ષમાં ન હોય તેવી તમામ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે.જો કે આ વાતનો ઉલ્લેખ ગૃહમંત્રાલયના આદેશમાં કરવામાં આવ્યો છે. પરંતુ ગૃહ મંત્રાલયે દરેક રાજ્યને આ નિયમોમાં ફેરફાર કરવા અને કઈ બાબતે છૂટછાટ આપવી અને શું ખુલશે શું નહીં તેનો નિર્ણય કરવા રાજ્ય સરકારને સત્તા આપી છે. આ અગાઉ પણ કેન્દ્ર તરફથી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી જ્યાર બાદ રાજ્ય સરકારે પણ આ આદેશને અન્વયે દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી પરંતુ ત્યારબાદ જિલ્લા વહિવટી તંત્ર સાથેની ચર્ચા બાદ નિર્ણય લેવાયો કે રાજ્યમાં દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં. આ જ રીતે આ વખતે પણ કેન્દ્રે રાજ્ય સરકારોને તેમના રાજ્યમાં સંક્રમણની સ્થિતિના આધારે આ છૂટછાટ આપવી કે કેમ તે નિર્ણય લેવાની સત્તા આપી છે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર 4 મેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક સિંગલ દુકાન એટલે કે જે દુકાન મોલ કે શોપિંગ કોમ્પ્લેક્ષમાં નથી તેવી તમામ એટલે કે જીવન જરૂરીયાતની વસ્તુઓની અને અન્ય વસ્તુઓની દુકાનો પણ ખુલ્લી રહી શકશે. સોસાયટીઓમાં આવેલી કે માર્કેટની તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ તમામ દુકાનદારોએ સામાજિક અંતર જાળવવાનો નિયમ પાળવો ફરજિયાત હશે

(9:30 pm IST)