Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ચેતવતા રહ્યા અને અમેરિકાએ અવગણના કરી : ચીનનો દાવો

ચીને વિડિયો જારી કરી અમેરિકાની મજાક ઉડાવી : ફ્રાન્સ સ્થિત ચીન એમ્બેસીએ વિડિયો જારી કરીને વાયરસ પર ટાઈમલાઇન આપી : માહિતી યોગ્ય સમયે આપી હતી

વોશિંગ્ટન, તા. ૧ : કોરોનાવાઈરસના સંક્રમણ બાબતે અમેરિકા તરફથી સતત લગાવવામાં આવી રહેલા આરોપો બાદ ચીને એક વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયોમાં સંદેશ આપવામાં આવ્યો છે કે ચીન સતત વાઈરસને લઈને ચેતવણી આપતું રહ્યું છે, જ્યારે અમેરિકા તેની અવગણના કરતુ આવ્યું છે. ફ્રાન્સમાં ચીનની એમ્બેસીએ ટ્વિટર પર અનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે અને તેનું ટાઈટલ આપવામાં આવ્યું છે 'વન્સ અપોન અ વાઈરસ'. આ વીડિયોમાં વાઈરસની ટાઈમલાઈન દર્શાવવામાં આવી છે. વીડિયોમાં કાર્ટુન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે ચીન વાઈરસને લઈને સતત વિશ્વને માહિતગાર કરતું રહ્યું છે. જોકે અમેરિકા સાવધાની રાખવાની જગ્યાએ ચીન પર આરોપ જ લગાવતું રહ્યું છે. એક મિનિટ અને ૩૯ સેકન્ડના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ચીન જાન્યુઆરીમાં પોતાને ત્યાં લોકડાઉનની જાહેરાત કરે છે અને અમેરિકા તેને અત્યાચાર ગણાવે છે.

            તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા ચીન પર માનવઅધિકાર છીનવવાનો પણ આરોપ લગાવે છે. વીડિયોને લઈને ટ્વિટર પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ઘણાં યુઝર્સ ચીનના યોગ્ય સમયે માહિતી આપવાના દાવાને ખોટો ઠેરવી રહ્યાં છે. ચીનના વુહાનથી ડિસેમ્બરમાં કોરોનાવાઈરસનો પ્રકોપ શરૂ થયો હતો અને પછીથી તે વિશ્વમાં ફેલાઈ ગયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વાઈરસ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યાં છે. તેમણે કહ્યું કે વાઈરસ વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજીમાંથી આવ્યો છે. ટ્રમ્પે એ પણ દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા છે. જોકે તેમણે સબુત બતાવવાથી ઈન્કાર કર્યો છે. ટ્રમ્પે આ દરમિયાન ચીન પર નવા ટેરિફ લગાવવાની વાત પણ કહી છે.

(8:06 pm IST)