Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

વડાપ્રધાન આવાસ પર મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો : લોકડાઉમાં ફસાયેલા શ્રમિકો-વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા મોદી સરકારે મંજુરી આપી : બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવેમંત્રી પીયુષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત હાજર

નવીદિલ્હી, તા. ૧ : લોકડાઉનના કારણે અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે ખુબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તેમના માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની મંજુરી આપી દીધી છે. શુક્રવારે વડાપ્રધાન આવાસ પર મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ, રેલવેમંત્રી પીયુષ ગોયલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના સચિવ પીકે મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓના આંકડામાં વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉન લાગુ છે. આ તરફ લોકડાઉનમાં ફસાયેલા લોકોને ટ્રેનો દ્વારા તેમના ગૃહરાજ્ય સુધી પહોંચાડવા દેવાની પરવાનગી મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે ફસાયેલા વિદ્યાર્થીઓ અને મજુરોને તમામ સુરક્ષીત ઉપાયો સાથે લઇ જવા માટે સ્પેશ્યલ ટ્રેનને ચલાવવા માટેની આજે પરવાનગી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મજુરોને ગૃહ રાજ્ય મોકલવા સહિત તમામ ગાઇડલાઇન બહાર પાડી છે.

          ત્યાર બાદ દેશનાં અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને સ્પેશ્યલ ટ્રેન ચલાવવા માટેની માંગ કરી હતી. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓ સાથે જ તિર્થયાત્રીઓ, પર્યટકો અને અન્ય વ્યક્તિઓનાં આવન જાવનને મંજુરી આપી દેવામાં આવી છે. લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે રેલવે મંત્રાલય દ્વારા વિશેષ ટ્રેન સચાલિત કરવામાં આવશે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરવા માટે રેલ મંત્રાલય દ્વારા એક નોડલ અધિકારી પણ નિયુક્ત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, રેલવેએ ૧૩ લાક વેગનથી વધારે જરૂરી વસ્તુઓનો પુરવઠ્ઠો પુરો પાડ્યો છે.

ટ્રક સામાન ફેરવતા યંત્રોના પરિવહનમાં વધારો થયો છે. આર્થિક ગતિવિધિઓ માટે તે જરૂરી છે કે રાજ્યની સીમાઓ પર ટ્રકને અટકાવવામાં ન આવે. હાલ પણ કેટલાક રાજ્યોમાં આવી સમસ્યાઓ આવી રહી છે. ગૃહમંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે ટ્રક અને માલવાહક વાહનોને કોઇ પણ પાસની જરૂર નથી પછી તે ભરેલા હોય કે ખાલી હોય. કેન્દ્ર સરકારે લીલી ઝંડી મળ્યા બાદ દેશનાં અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા મજુરો, વિદ્યાર્થી અને અન્ય લોકોને પરત લાવવાની પ્રક્રિયા રાજ્ય સરકારોએ ચાલુ કરી દીધી છે.

          રાજ્ય સરકારની માંગ બાદ રેલ મંત્રાલયે પહેલી સ્પેશ્યલ ટ્રેન ચલાવી છે. જે શુક્રવારે સવારે તેલંગાણાથી લિંગમપલ્લીમા ફસાયેલા મજુરોને લઇને ઝારખંડ માટે રવાના થઇ છે. આ ટ્રેન રાત્રે ૧૧ વાગ્યે હટિયા પહોંચશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, રાજ્યો દ્વારા એફસીઆઇથી ૬૨ લાખ ટન ઘઉ અને ચોખાની વહેંચણી કરવામાં આવી છે. બીજી તરફ માલવાહક વસ્તુઓની આવનજાવનની સ્થિતીમાં પણ સુધારો થયો છે. ગૃહમંત્રાલયે ટ્રક અન્ય વસ્તુઓ લાવવા લઇ જવા માટે તમામ રાજ્યોને પત્ર લખીને અપીલ કરી છે માલવાહક વાહનો કોઇ પણ પ્રકારનાં પાસ વગર પણ પરિવહન કરી શકશે.

(8:01 pm IST)