Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પાકિસ્તાનમાં પેટ્રોલ ૧૫ અને ડીઝલ ૨૭ રૂ. સસ્તુ થયું

પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં કર્યો ઘટાડો

ઇસ્લામાબાદ તા. ૧ :  પાકિસ્તાન વર્તમાન સમયે ખરાબ આર્થિક સ્થિતિ, દેવુ અને કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે. એટલે કે ચારેકોર તેના માટે મુશ્કેલીઓ જ છે. તેવા સમયે પાકિસ્તાને પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડો કોઇ નાનો અમથો નથી પણ પેટ્રોલિયમ પેદાશોમાં પ્રતિ લિટર ૩૦ રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં ૧૫થી ૩૮ ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જે સાથેના નવા ભાવ આજથી લાગુ પણ થઇ જશે. આંતરરાષ્ટ્રિટ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છએ, જેનો લાભ લોકો સુધી પહોંચે તે માટે પાકિસ્તાન સરકારે આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે.

કોરોના વાયરસના સંકટના કારણે દુનિયાભરમાં ક્રુડ ઓઇલની માંગ ઘટી છે, જેના કારણે આંતરરાષ્ટ્રિય માર્કેટમાં તેની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. પાકિસ્તાની ન્યૂઝ પેપર ડોનના એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલ ૧૫ રૂપિયા અને ડીઝલ ૨૭ રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ ડિઝલ પર ટેકસમાં પણ વધારો કર્યો છે, આમ છતા તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની પાછળનું કારણ આંતરરાષ્ટ્રિય માર્કેટમાં ક્રુડની સતત ઘટી રહેલી કિંમતો છે.

ગયા મહિને ક્રુડની કિંમતમાં ૫૨ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ પાકિસ્તાન સરકારે માત્ક ૧૨થી ૧૩ ટકા ભાવ ઘટાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે પાકિસ્તાન દેવામા ડૂબેલં છે. પેટ્રોલ અને ડિઝલ પાકિસ્તાન સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તેવામાં સરકાર આ સમયે તેમાંથી કમાણી કરવા માંગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોરોના વાયરસના કારણે પેટ્રોલ ડીઝલની માંગ પણ ઘટી છે.

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડની કિંમતમાં ઘટાડો થતા ભારતમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થવાની આશા હતી. જો કે હજુ સુધી તેમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. દેશના તમામ વિસ્તારોમાં ૧૪ માર્ચથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

(3:39 pm IST)