Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબ પરત ફરેલ ૨૩ શીખ શ્રધ્ધાળુઓને કોરોના પોઝીટીવ

પુણેમાં કેસોમાં વધારોઃ ચેન્નઈમાં ૧૩૮ નવા દર્દી નોંધાયાઃ આંધ્ર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ નહી

અમૃતસરઃ મહારાષ્ટ્રના નાંદેડથી ઐતિહાસીક શીખ ધર્મસ્થળ તખ્ત શ્રી હુજુર સાહીબથી ત્રણ દિવસ પહેલા પરત આવેલ ૨૩ શ્રધ્ધાળુઓની ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં કરવામાં આવેલ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવેલ. જેથી અમૃતસરમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૪માંથી ૩૭ થઈ ગઈ હતી. જેમાંથી ૨૯ સક્રીય કેસ છે, ૬ લોકોને રજા આપવામાં આવી છે. જયારે ૨ લોકોના મોત થયા છે. આ શ્રધ્ધાળુઓના સંપર્કમાં આવેલ લોકોને ગોતવામાં આવી રહ્યા છે.

નાંદેડથી પરત ફરેલ બીજા શ્રધ્ધાળુઓના રિપોર્ટ પેન્ડીંગ છે. પંજાબમાં ગઈકાલે નવા ૧૦૫ કેસ આવ્યા હતા. રાજયમાં કુલ કોરોના કેસ ૪૦૮ થયા છે. ૧૦૪ લોકો સાજા થયા છે અને ૨૦ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રના પુણેમાં છેલ્લા ૧૨ કલાકમાં ૧૨૭ નવા કેસ સામે આવ્યા છે. જીલ્લામાં કુલ ૧૭૨૨ પોઝીટીવ મામલા થયા છે. પુણેના જોઈન્ટ કમિશ્નરે ૨૩ હોટસ્પોટમાં હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર છોડીને બધી દુકાનો બંધ કરવા આદેશ આપ્યો છે. દુધની દુકાનો સવારે ૧૦ થી ૧૨ ખુલ્લી રહેશે.

તામિલનાડુમાં ૧૬૧ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં ૧૩૮ ચેન્નઈના છે. રાજયમાં કુલ કોરોના કેસ ૨૩૨૩ થયા છે.

હરિયાણામાં ગઈકાલે ૧૮ નવા કેસ આવતા કુલ ૩૨૯ લોકો સંક્રમિત થયા છે.

આંધ્રપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧ નવા મામલા નોંધાતા કુલ ૧૪૦૩ કેસો થયા છે. જેમાંથી ૧૦૫૧ કેસ સક્રીય છે, ૩૧ લોકોના મોત થયા અને ૩૨૧ લોકો સાજા થતા રજા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં એક પણ મોત નોંધાયુ નથી.

કર્ણાટકમાં બુધવારથી ગુરૂવાર સાંજ સુધીમાં કોરોનાના ૩૦ નવા મામલા નોંધાતા રાજયમાં કુલ કેસની સંખ્યા ૫૬૫ ઉપર પહોંચી હતી.

(12:56 pm IST)