Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

હ્યુસ્ટનથી રાજકોટના નિવૃત પ્રોફેસર યુનુસ લાખવાની અકિલા સાથે વાતચીત

અમેરિકામાં લોકો પાંચ-છ ફુટ દુર રહીને વાત કરે છેઃ લોકડાઉન પાલન માટે પોલીસની હાજરીની જરૂર નહિ

લોકોમાં સ્વયં શિસ્ત ગજબનીઃ અમેરિકા સ્થિત ભારતીયો મોદીની કામગીરીને વખાણે છે : અમેરિકામાં આંતરિક હવાઇ સેવા ચાલુ છે.આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું બુકીંગ જુન સુધીનું રદ

રાજકોટ તા.૧: વિશ્વના મોટાભાગના દેશોને પરેશાન કરી રહેલ કોરોના વાઇરસની મહામારી સામે અમેરિકા જેવી મહાસત્તા પણ ઝઝુમી રહી છે. ભારત સહિત અનેક દેશોમાં અત્યારે લોકડાઉન છે. જો કે લોકડાઉનના અમલ બાબતે દરેક દેશના લોકોની માનસિકતા સરખી નથી. લોકડાઉનના સ્વૈચ્છીક અને શિસ્તબદ્ધ અમલની બાબતમાં અમેરિકા ઉદાહરણરૂપ છે. મૂળ રાજકોટના અને એ.વી.પી.ટી. કોલેજના નિવૃત પ્રોફેસર શ્રી યુનુસભાઇ લાખવા હાલ અમેરિકા છે. તેમણે ત્યાંનો   લોકડાઉનનો  અભ્યાસ અને અનુભવ કરી પ્રશંસા કરી છે. દરેક દેશના લોકોએ લોકડાઉનનુ સંપૂર્ણ પાલન કરી જાત બચાવી જોઇએ તેવી તેમની સલાહ છે.

શ્રી યુનુસભાઇ લાખવા અને શ્રીમતી સરીફાબેન લાખવાના  આ બંન્ને દિકરા અમેરિકાના ટેકસાસ રાજ્યના  હ્યુસ્ટન શહેર ખાતે એન્જીનીયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરી  સ્થાયી થયા છે. યુનુસભાઇના જણાવ્યા મુજબ તેઓ અત્યાર સુધીમાં આ નવમી વખત અમેરિકા ગયા છે. છેલ્લા એક વર્ષથી જીવનસંગીની સરીફાબેન(નિવૃત શિક્ષિકા) સાથે હ્યુસ્ટનમાં મુકામ કરી રહ્યા છે. તેઓ મે મહિનામાં રાજકોટ પરત આવવા માંગતા હતા પરંતુ લોકડાઉનના કારણે મૂકામ લંબાવ્યો છે.

શ્રી યુનુસભાઇ લાખવાએ અકિલા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે  અમેરિકાના દરેક વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ ઓછાવત્તો છે. તેના આધારે લોકડાઉનનો સમયગાળો સરકારે નક્કી કર્યો છે. અમે જ્યાં છીએ ત્યાં  અન્ય અમૂક  શહેરોની સરખામણીએ કોરોનાનો પ્રભાવ ઓછો છે. જો કે લોકડાઉન છે અને લોકો તેનો સ્વયંભૂ અમલ કરી રહ્યા છે. લોકો પોતે જાગૃત છે એટલે સામાન્ય રીતે વ્યકિતગત વાતચીતમાં પણ પાંચ-છ ફૂટનું અંતર રાખે છે. પૂર્વ સાવચેતીના તમામ નિયમોને અનુસરે છે. જરૂરિયાતના સમયે જ બહાર નિકળે છે. માર્ગો પર વાહનો જોવા મળે છે. લોકો પોતે જ પરિસ્થિતીની ગંભીરતા સમજતા હોવાથી લોકડાઉન રખાવવા માટે  પોલીસની હાજરીની જરૂર રહેતી નથી. મોટાભાગે જાહેર માર્ગો પર કયાંય પોલીસ દેખાતી નથી. લોકો બેન્કમાં જાય ત્યારે સ્વયં શિસ્તથી  કતારમાં ઉભા રહે છે. બેન્કની બારી પાસે ઉભેલા મુલાકાતીનું કામ પુરૂ થાય અને ત્યાર પછી  જેનો ક્રમ હોય તેનું નામ બોલવામાં આવે ત્યારે જ બીજો મુલાકાતી પોતાના કામ માટે બારી પાસે જાય છે. રહેણાંક વિસ્તારોમાં પણ લોકો ટોળા જમાવીને બેસતા નથી.  ભીડથી દુર રહેવાનુ પસંદ કરે છે.  તેમણે જણાવેલ કે અમેરિકામાં આંતરીક હવાઇ સેવા ચાલુ છે.ઈન્ટરનેશનલ ફલાઇટના જૂન સુધીના બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. અમેરિકા રહેતા  ગુજરાતીઓ ગુજરાત માટે ગૌરવ અનુભવે છે. ગુજરાતના લોકોની લાગણી, સમજ, મળતાવડાપણું વગેરેની અમેરિકામાં સારી છાપ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સંદર્ભે દેશમાં લીધેલા પગલાને  અમેરિકા સ્થિત ભારતીયો  વખાણી રહ્યા છે.

(12:53 pm IST)