Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ઉધ્ધવ ઠાકરેને મોટી રાહત

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાનસભા પરિષદની ચૂંટણીની આપી મંજૂરી

રાજ્યની ૯ સીટો પર હવે ૨૧ મે એ ચૂંટણી યોજાશે

મુંબઇ તા. ૧ : મહારાષ્ટ્ર્માં ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને ચૂંટણી પંચે મોટી રાહત આપી છે. ચૂંટણી પંચે રાજયમાં એમએલસી ચૂંટણી માટે મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૭ મે પહેલા રાજયમાં ચૂંટણી થઈ શકે છે.

અગાઉ મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર લખી કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી ૯ સીટ પર ચૂંટણી કરાવવામાં આવે. ચૂંટણી દરમિયાન કોવિડ-૧૯ના પ્રકોપને જોતા સેફટી ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવામાં આવશે.

૨૭ મેના રોજ ઉદ્ઘવ ઠાકરેને મુખ્ય મંત્રી બન્યાના ૬ મહિના પૂરા થનાર છે અને નિયમ મુજબ તેમણે શપથ ગ્રહણ છ મહિનામાં એટલે કે ૨૮ મે પહેલા વિધાનસભા અથવા વિધાનસષદના સબ્ય તરીકે ચૂંટાવવું જરૂરી છે. રાજયમાં કોવિડ ૧૯ મહામારીના પ્રકોપને પગલે ૨૪ એપ્રિલે થનાર ચૂંટણી અનિશ્યિત સમય સુધી ટળી ગઈ હતી.

જે બાદ મહારાષ્ટ્ર કેબિનેટે રાજયપાલ સમક્ષ ચૂંટણી કરાવવા માટે ભલામણ મોકલી હતી. જે બાદ ભગતસિંહ કોશિયારીએ ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. ગવર્નરે ચૂંટણી પંચને લખેલ પત્રમાં કહ્યું હતું કે જલદીમાં જલદી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી ૯ સીટ પર ચૂંટણી કરાવે. જો કે ચૂંટણી પંચે આ માંગણી સ્વીકારી લીધી છે.

મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે નિયુકત કરવાની દરખાસ્ત માટે મહાવિકાસ અઘાડીના પ્રતિનિધિ મંડળ મંગળવારે રાજયપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઇ, બાળાસાહેબ થોરાટ અને અનિલ પરબ સામેલ હતા.

આ કેસમાં રાજય મંત્રીમંડળે સોમવારે સાંજે રાજયપાલને બીજુ રિમાઇન્ડર મોકલીને વિધાનસભાના ઉપલા ગૃહમાં ઉદ્ઘવ ઠાકરેને નામાંકિત કરવા વિનંતી કરી હતી. આ અંગે પહેલો પત્ર ૧૧ એપ્રિલના રોજ મોકલવામાં આવ્યો હતો.

(3:41 pm IST)