Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ એન્ડ ગેસ ડિવિઝનના અમુક કર્મચારીઓના વેતન ૫૦ ટકા સુધી ઘટાડશે

કોરોના વાયરસ મહામારીના કારણે નફામાં ઘટાડો થતા સેલેરીમાં ૧૦ થી ૫૦ ટકા કાપ મુકશે

જામનગર તા. ૧ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓઈલ એન્ડ ગેસ ડિવિઝનના અમુક કર્મચારીઓના વેતનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સે વેતનમાં ઘટાડાનો આ નિર્ણય કોરોના વાયરસ મહામારીના કારણે નફામાં ઘટાડાને જોતા કર્યો છે.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે ૧૫ લાખથી વધારે વાર્ષિક આવક વાળા કર્મચારીઓની સેલેરીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જયારે સૂત્રોએ જણાવ્યા અનુસાર વરિષ્ઠ અધિકારીઓની સેલેરીમાં ૩૦થી ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં એગ્ઝિકયુટિવ ડાયરેકટર હિતલ આર મેસવાનીએ કહ્યું, 'રિફાઇન્ડ પ્રોડકટ્સ અને પેટ્રોકેમિકલ્સની માંગમાં કમીના કારણે હાઈડ્રોકાર્બન બિઝનેસ પર પ્રતિકુળ પ્રભાવ પડ્યો છે. પરિસ્થિતિની માંગ છે કે ઓપરેટિંગ કોસ્ટ અને ફિકસ કોસ્ટમાં ઘટાડો કરવામાં આવે અને આપણે બધાને આમા યોગદાન આપવાની જરૂર છે.' તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમારા અધ્યક્ષ પણ પોતાના દરેક નફાને છોડવા માટે સહેમત થઈ ગયા છે.

(11:39 am IST)