Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો

અખબારોને જંગી નુકસાનઃ સરકારી મદદની જરૂર

૪પ૦૦ કરોડનું નુકસાનઃ આવું ચાલ્યું તોઃ નુકસાન વધીને ૧પ૦૦૦ કરોડ થઇ જશેઃ ન્યુઝપ્રિન્ટ પરની પ% આયાત ડયુટી હટાવવા-બ વર્ષ ટેક્ષ માફ કરવા-સરકારી વિજ્ઞાપનોના રેટ પ૦% વધારવા-બજેટ ર૦૦% વધારવા સરકારને અનુરોધ

નવી દિલ્હી તા. ૧ :.. લોકડાઉન દરમ્યાન સૌથી વધુ પ્રભાવિત વ્યવસાયોમાં ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રી પણ છે. છેલ્લા બે મહિના દરમ્યાન ઘર આંગણાની ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને રૂ. ૪૦૦૦ થી ૪પ૦૦ કરોડનું નુકશાન થયું છે.

૮૦૦ જેટલા અખબારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS) એ જણાવ્યું છે કે, આર્થિક ગતિવિધી સાવ ઠપ્પ થઇ ગઇ છે. અને અખબારોને વિજ્ઞાપનો મળતી નથી. એવામાં જો સરકાર તરફથી કોઇ મજબુત પ્રોત્સાહન નહિ મળે તો અખબારોને થનારૂ નુકસાન આવતા ૬ થી ૭ મહિના સુધી ચાલુ રહી શકે છે. એટલે કે વધારાનું રૂ. ૧ર૦૦૦ થી ૧પ૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે.

૩૦ લાખ લોકોને રોજગારી આપતી ન્યુઝ પેપર ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવવા માટે તત્કાલ પગલાની માંગ થઇ છે. જેમાં ન્યુઝ પ્રિન્ટ પર પ ટકાની ઇમ્પોર્ટ ડયુટી હટાવવા અને ર વર્ષ સુધી ટેક્ષ માફ કરવા જેવી જરૂરી માંગણીઓ છે. અત્રે એ નોંધનીય છે કે અખબારોની કોસ્ટનો મોટો હિસ્સો ન્યુઝ પ્રિન્ટ પર ખર્ચાય છે ગયા વર્ષે સરકારે તેના પર ૧૦ ટકાની કસ્ટમ ડયુટી લગાડી હતી. આ પહેલા તે ડયુટી ફ્રી હતી.

અખબારો સહિત બીજા ઉદ્યોગોને અપાતી રાહતો વચ્ચે INS એ કેટલીક વધુ જરૂરીયાતો ઉપર ભાર મૂકયો છે. જે હેઠળ સરકારી વિજ્ઞાપનોના રેટમાં પ૦ ટકાનો વધારો કરવામાં આવે અને પ્રિન્ટ મિડીયા પર બજેટ ખર્ચ ર૦૦ ટકા વધારવામાં આવે. સાથોસાથ વિજ્ઞાપનોનું પેન્ડીંગ ચુકવણુ પણ તત્કાલ કરવામાં આવે. રાજય સરકારોને પણ સૂચન થયું છે કે તે પણ આ દિશામાં વિચારે.

INS ના  પ્રમુખ શૈલેષ ગુપ્તાએ કહયું છે કે રોકડનું સંકટ અને ખોટને કારણે કર્મચારીઓના પગાર અને વેન્ડરને ચુકવણીમાં મુશ્કેલી પડી રહી છે. આ ઉદ્યોગમાં ૯ થી ૧૦ લાખ સીધે સીધી નોકરી કરે છે અને લગભગ ર૦ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે આજીવીકા આપે છે.

INS એ સરકારને કહયું છે કે અખબારો ૩ તરફથી સંકટમાં ઘેરાયેલા છે. વાયરસ - વિજ્ઞાપનોની ઘટના અને ન્યુઝપેપર ઉપર કસ્ટમ ડયુટી જેના કારણે અનેક નાના-મધ્યમ અખબારો બંધ થઇ ગયા છે તો અનેકે પાના ઘટાડી દીધા છે જરૂરી સેવા છતાં અખબારો રોજ ખોટ સહન કરી રહ્યાં છે.

INS એ કહયું છે કે, મહામારી દરમ્યાન અખબારો પોતાનું કર્તવ્ય મજબુતીથી નિભાવે છે સંપાદીય, પ્રિન્ટીંગ, પ્રોડકશનના લોકો અને વિતરકો ખુદને  જોખમમાં મુકી કામ કરી રહ્યા છે.   આવું એટલા માટે કે લોકો ઘરોમાં સુરક્ષિત રહે અને તેમની પાસે સાચી અને સચોટ માહિતી આવે. (પ-૧૦)

(11:34 am IST)