Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દેશમાં ટ્રકોની અવરજવર માટે મંજૂરી :માલ-સામાનની હેરફેર માટે કોઈપણ પાસની જરૂર નહી: ગૃહ મંત્રાલય

કોઈપણ રાજ્ય આ ટ્રકોને પસાર થતા રોકી શકે નહીં

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આજે ફરી તે વાત સ્પષ્ટ કરી કે સમગ્ર દેશમાં ટ્રકોની અવરજવર માટે અનુમતિ છે અને કોઈપણ રાજ્ય આ ટ્રકોને પસાર થતા રોકી શકે નહીં.

ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ ગુરુવારે જાહેર કરેલા ઓર્ડરમાં તે વાતનો ઉલ્લેખ કર્યો કે તારીખ 3 અને 12 એપ્રિલે આ સંબંધિત સ્પષ્ટ આદેશ આપ્યા હતા, તેમ છતાં કેટલાંક રાજ્યોમાં ટ્રકોને રોકવાની ફરિયાદો આવી રહી છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ ટ્રક પાસ વિના ક્યાંય પણ અવરજવર કરી શકે છે, પણ ટ્રક ડ્રાઈવરની સાથે કાયદેસર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે. આ સાથે જ હવે દરેક ટ્રકમાં એકની જગ્યાએ બે ડ્રાઈવરોને રાખવાની અનુમતિ આપવામાં આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ટ્રક અને સામાન લઈ આવતા-જતા અન્ય વાહનોને 2 ડ્રાઈવરો અને 1 હેલ્પરની સાથે અવરજવર કરવાની અનુમતિ છે.

ડ્રાઈવરની સાથે કાયદેસર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે. જ્યારે ટ્રક ખાલી હોય (એટલે કે ટ્રક માલ-સામાન ઉતારીને પરત આવી રહ્યો હોય) ત્યારે પણ તેને જવા દેવાની અનુમતિ મળશે.

લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ચીજવસ્તુઓ અને જરૂરિયાતમંદ સેવાઓ માટેની અછત સર્જાય નહીં તે માટે ટ્રકની અવરજવર જરૂરી છે.

(1:00 am IST)