Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર ખુબ ઇમાનદારીથી કરે છે : નરેન્દ્રભાઇ મોદી

કોંગ્રેસ તેમની હત્યા કરાવવાના સપના જુવે છે : હોશંગાબાના ઇટારસીમાં મોદીનું સંબોધન : ૧૦ દિવસમાં ખેડૂતની લોન માફી માટેનું અને ભથ્થાનું વચન અધુરુ છે

હોશંગાબાદ, તા. ૧ : દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તેમનાથી એટલી હદ સુધી નફરત કરે છે કે, હવે તેમની હત્યા કરાવવા માટેના સપના પણ જુએ છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી જનસભામાં તેઓએ આ વાત કરી હતી. હોશંગાબાદના ઇટારસીમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેઓએ એવું સાંભળ્યું છે કે, કોંગ્રેસના એક નેતાએ અવું નિવેદન કર્યું છે કે, મોદીને એવો છગ્ગો મારુ કે સરહદ પાર મરે. કોંગ્રેસવાળાઓને મોદીથી એટલી હદ સુધી નફરત થઇ ગઇ છે કે, મોદીને મારવા સુધીના સપના જોવે છે પરંતુ આ લોકો ભુલી ગયા છે કે, મોદી તરફથી ભારતની પ્રજા બેટિંગ કરી રહી છે. મોદીનો ઇશારો નવજોત સિદ્ધૂ તરફ હતો. સિદ્ધૂએ હાલમાં જ દિગ્વિજયસિંહની એક સભામાં આ અંગેનું નિવેદન કર્યું હતું.

શ્રીલંકામાં થયેલા બોંબ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતા મોદીએ ઝાકીર નાયક સાથે સંબંધ રાખનાર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, શ્રીલંકાની સરકારે ઝાકીર નાયકની ટીવી ચેનલ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ઝાકીર નાયક એજ વ્યક્તિ છે જેના દરબારમાં દિગ્ગી રાજ પ્રશંસા કરતા થાકતા ન હતા. કોંગ્રેસના દરબારી અને રાજદરબારી લોકો ઝાકીર નાયકને શાંતિદૂત તરીકે દર્શાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશના ખેડૂતો એમ કહીને મત લીધા હતા કે, ૧૦ દિવસમાં જ બે લાખ રૂપિયા સુધીની લોન માફી થઇ જશે. આ ૧૦ દિવસ ક્યારે પુરા થશે તે બતાવવા તૈયાર નથી. આ લોકો કહીને ગયા હતા કે, યુવાનોને રોજગારી ભથ્થુ અપાશે પરંતુ આ અંગે કોઇપણ માહિતી નથી. કોંગ્રેસ પાર્ટીની નીતિ ગેરમાર્ગે દોરવાની રહી છે. ભ્રષ્ટાચાર કોંગ્રેસ પાર્ટી ખુબ જ ઇમાનદારીથી કરે છે.

(9:54 pm IST)