Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

બુરખા ઉપર પ્રતિબંધ લગાવવો કે નહી?: દેશભરમાં ચર્ચાઓએ જોર પકડયુ

શિવસેનાએ શ્રીલંકાએ મૂકેલ પ્રતિબંધ બાદ કરેલ માંગણી અનુસંધાને :વિશ્વના ઘણા દેશોમાં બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ છેઃ કાયદો તોડનારને દંડની સાથે જેલ સજાની પણ જોગવાઈ

નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં બુરખા ઉપર પ્રતિબંધ છે. હમણા જ શ્રીલંકાએ પણ બોંબ ધડાકાઓ બાદ આ પ્રકારનો નિર્ણય લીધો છે, જે સુરક્ષા કારણોસર લેવામાં આવ્યો છે. પાડોશી દેશના નિર્ણય બાદ ભારતના પણ બુરખા ઉપર પ્રતિબંધની માંગ ઉઠી છે.

શિવસેનાએ કરેલ માંગણી બાદ દેશભરનાં બુરખા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક વર્ગ તરફેણ કરે છે જયારે બીજો વર્ગ તેની વિરૂધ્ધમાં પણ છે. વિરોધ કરનાર વર્ગ શિવસેનાની માંગને કટ્ટરવાદી વિચારધારા અને રાજકીય ફાયદો હોવાનું જણાવી રહ્યા છે. શ્રીલંકાના નિર્ણય બાદ જ શિવેસેનાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જો કે શિવસેના આ પહેલા પણ આ પ્રકારની માંગણીઓ કરી ચૂકયુ છે, દુનિયામાં કેટલાય દેશોમાં બુરખા ઉપર પ્રતિબંધ છે, જેમાં મુખ્યત્વે યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલીયામાં પણ ગત વર્ષે સાંસદ પોલીન હેનસને બુરખા ઉપર રોક લગાવવાની માંગણી કરી હતી. તેઓ ત્યારે જાણીતા બન્યા હતા. જયારે તેઓ ઓસ્ટ્રેલીયાની સંસદમાં બુરખો પહેરીને આવ્યા હતા. ત્યારબાદ  તેમણે પોતાની ઓળખ માટે બુરખો ઉતારી અને પ્રતિબંધની માંગ કરેલ. હેનસને જણાવેલ કે ઓસ્ટ્રેલીયામાં એશીયાઈ નાગરીકોની વધતી સંખ્યાને કારણે તેઓએ આ માંગ ઉઠાવી છે.

વિશ્વના ડેન્માર્ક, ફ્રાન્સ, બેલ્જીયમ, નેધરલેન્ડ, હોલેન્ડ, સ્વીત્ઝરલેન્ડના ટેસીન, ઈટાલીના નોવારા, જર્મની, સ્પેનના કૈટેલોનીયા, ચાડ, કેમરૂનના પાંચ રાજયો અને કોંગોમાં પણ પ્રતિબંધીત છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ મોટો દંડ અને જેલની સજાની પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

મુસલમાન મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પહેરવેશ

શાયલા :- ખાડી દેશોમાં લોકપ્રીય શાયલા એક ચોકોર સ્કાર્ફ છે. જેથી માથુ અને વાળને ઢાકવામાં આવે છે. જેના બન્ને છેડા ખભા ઉપર લટકતા રહે છે.

હિઝાબ :- વાળ, કાન, ગળુ અને છાતી સીવાય હિઝાબ ખભાના પણ થોડા ભાગને ઢાકે છે. પણ તેમા મહિલાનો ખુલ્લો રહે છે. વિશ્વમાં સૌથી વધુ ચલણ હિઝાબનું છે.

અલ અમીરા :- આ એક ડબલ સ્કાર્ફ હોય છે. જેના એક ભાગથી માથાને પૂરી રીતે ઢાકવમાં આવે છે. જયારે બીજો ભાગ ખભાથી થઈને થોડે નિચે સુધી જાય છે. આરબ દેશોમાં અલ અમીરા લોકપ્રીય છે.

ચિમાર :- આ ખુબ લાંબો પહેરવેશ છે, જેમાં ચહેરો જોઈ શકાય છે પણ માથુ, ખંભા, છાતી અને અડધા હાથ સુધી શરીર ઢંકાયેલુ રહે છે.

ચાદર :- આમાં ચહેરાને છોડીને અડધાથી વધુ શરીરને ઢાકવામાં આવે છે. ચાદર ઈરાનમાં ખાસો લોકપ્રીય છે. ચાદરમાં માથા ઉપર અલગથી સ્કાર્ફ  પહેરવાનો હોય છે.

નકાબ :- આમાં આખો ચહેરો ઢકાઈ જાય છે અને ફકત મહિલાની આંખો જ દેખાય છે. લગભગ લાંબા કાળા ગાઉન સાથે પહેરવામાં આવે છે. ઉત્તરી અને મધ્ય પૂર્વ આફ્રિકામાં નકાબનું પ્રચલન વધુ છે.

બુરખો :- આ આખુ શરીર ઢંકાઈ જાય તેવો પહેરવેશ છે. જેમાં આંખોની આગળ જારીવાળુ કપડુ હોય છે. ભારત સહિતના દેશોમાં બુરખાનું ચલણ વધુ જોવા મળે છે.

(4:01 pm IST)