Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મોબાઇલ-પર્સ-ચેઇન ખેંચનારને હવે ૧૦ વર્ષની સજા

કડક સજા કરતાં કાયદાને રાષ્ટ્રપતિની મંજુરીઃગુજરાત સરકાર તુરતમાં કાયદો લાગુ કરશે

નવી દિલ્હી, તા.૧: મોબાઈલ, નેકલેસ કે પર્સ ખેંચી જતા સ્નેચર્સની હવે ખેર નથી. ચીલઝડપે ગળા કે હાથમાંથી વસ્તુ ઉડાવી જતાં શખ્સોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. 'ક્રિમિનલ લો (ગુજરાત અમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૮'ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. રાજયમાં ચેઈન, મોબાઈલ અને પર્સ સ્નેચિંગની વધતી ઘટનાઓ પર નિયંત્રણ મૂકવા માટે ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવ્યું. નવા કાયદા પ્રમાણે, સ્નેચિંગના કેસમાં દોષિત ઠરેલા ગુનેગારને ૫ થી ૧૦ વર્ષની જેલની સજા થશે. જૂના કાયદા મુજબ, ગુનેગારને વધુમાં વધુ ૩ વર્ષની જેલ થતી હતી.

ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, 'રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ રાજય સરકાર કાયદો લાગુ કરશે. ચેઈન, પર્સ અને મોબાઈલ સ્નેચિંગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બિલમાં સુધારો કરી ગુનેગારને કડકમાં કડક સજા આપવાનો નિર્ણય કર્યો. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૯માં બે સબ-સેકશન ૩૭૯ સી અને ૩૭૯ ઉમેરી સુધારો કરવામાં આવ્યો.'

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, 'ચીલઝડપ કરવાનો પ્રયાસ કરનારને પણ ૨૫૦૦૦ રૂપિયા દંડ અને ઓછામાં ઓછી ૫ વર્ષની જેલ થઈ શકે છે. આ સજા વધીને ૧૦ વર્ષ પણ થઈ શકે. નવી જોગવાઈ અમલમાં આવતાં જ ચેઈન સ્નેચર્સ જલ્દી છૂટી નહીં શકે. ચેઈન સ્નેચિંગના ગુનામાં થતી કડક સજા ગુનેગારોમાં ધાક બેસાડશે. સરળતાથી રૂપિયા મેળવવા આવા ગુનેગારો મહિલાઓને નિશાન બનાવે છે. સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ઘ છે.'

(3:52 pm IST)