Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

રજનીગંધાની ૯૦૦ કરોડની વેટ ચોરીમાં વધુ બે દિલ્હીથી પકડાયા

અગાઉ CID ક્રાઇમે ૨૭ સામે ફરિયાદ કરી હતી

અમદાવાદ તા. ૧ : રજનીગંધાના ૯૦૦ કરોડની પાનમસાલા વેટ ચોરી કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે વેપારી સહિત ૨૭ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. સીઆઇડી ક્રાઇમે મંગળવારે દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મુખ્ય આરોપી રાજેન્દ્ર કેશવાણીને ગુજરાત ખાતે કરેલા વેપારના નાણા દિલ્હી ખાતે મોકલતા અને પરિચિતોને આપી કંપનીઓ દ્વારા RTGSથી એકાઉન્ટમાં જમા કરાવતા હતા. ૧૧ CSAના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.

ગુજરાત બહારથી પાનમસાલાનો સામાન મંગાવીને ગુજરાતના જ વેપારીઓને પાનમસાલા વેચીને વેટ ચોરી કરી હતી. સમય સેલ્સના વેપારીઓએ ગુજરાતના અને ગુજરાત બહારના વેપારીઓને પાનમસાલા વેચાણ કર્યું હતું પરંતુ વેટ વિભાગની તપાસમાં વેપારીઓએ કાપડ બતાવીને વેટચોરી કર્યું હોવાનું વેટ વિભાગની તપાસમાં બહાર આવતા કુલ ૧૯૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઇ હતી.

પોલીસે આઠથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ કેસમાં તપાસનીશ અધિકારી આઇ.આઇ.શેખે કેસના સેટલમેન્ટ માટે ૨ કરોડની માંગણી કરી હતી. જેની તપાસ બાદ પીઆઇ આઇ.આઇ.શેખને જેલમાં જવું પડયું અને સીઆઇડી સામે ગંભીર આક્ષેપો થયા હતા. લાંબા સમય બાદ સીઆઇડી ક્રાઇમે આ કેસમાં દિલ્હીથી જયપ્રકાશ ઉર્ફે લાલી ગોરધનદાસ બંસલ (રહે. દિલ્હી) અને રવિન્દ્રનાથ મહેન્દ્રનાથ ગોયલ (રહે. દિલ્હી)ની ધરપકડ કરી હતી.

(3:37 pm IST)