Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

લગ્નમાં દુલ્હો દુલ્હનને છોડીને પબ્જી રમતો રહ્યો, મહેમાને ગિફટ આપી તો એનેય બાજુએ મુકી દીધી

નવી દિલ્હી તા ૧ :  પબ્જી ગેમનું વ્યસન વધતું જ રહ્યું છે અને ગેમમાં ખૂંપી ગયેલા યુવાનો કંઇ પણ અગંડબંગડ હરકતો કરીને હેલ્થ અને જીવ જોખમમાં મુકી રહ્યાના કિસ્સા પણ સાંભળવા મળ્યા છે. એક બાળકે પબ્જી રમવા માટે પપ્પાના ૫૦,૦૦૦ રૂપિયા ચોરી લીધા હતા. તાજેતરમાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં લગ્નના દિવસેપણ દુલ્હો પબ્જી રમ્યા વિના નથી રહી શકયો. દુલ્હો-દુલ્હન બન્ને સ્ટેજ પર બેઠા છે. દુલ્હો નીચું મોઢું ઘાલીને પબ્જી રમવામાં વ્યસ્ત હતો અને દુલ્હન થોડીવાર દુલ્હા સામે તો થોડીવાર આવેલા મહેમાનો સામે ઓશિયાળી નજરે જોઇ રહી છે. દુલ્હો એટલો બીઝી છે કે આવનાર મહેમાનો તેના હાથમાં ગિફટ મુકી તો એનાથી પણ તે ઇરિટેટ થઇ ગયો, તેણે મોબાઇલ પરથી આંગળીઓ હટાવ્યા વિના જ ગિફટને સાઇડમાં રાખી દીધી. આ વિડીયો સોશ્યલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ ઘટના કયાંની અને કયારની છે એની ખબર નથી પડી.

પેરેશુટની મદદથી ૧૦૦ પ્લેયર્સને એક આઇલેન્ડ પર ઉત્તારવામાં આવે છે, જયાં પ્લયરે બંદુક શોધીને દુશ્મનને મારવાનો હોય છે. છેલ્લે જે બચે છે એ વિનર કહેવાય છે. ૪ લોકો ગ્રુપ બનાવીને પણ આ ગેમ રમી શકે છે જે છેક સુધી પહોંચે છે એ બધા વિનર કહેવાય છે.

(3:35 pm IST)