Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

SEBIની સૌથી મોટી કાર્યવાહીઃ NSEને ફટકાર્યો ૧૧૦૦ કરોડનો દંડ

કેટલાક સર્વરનો ખોટી રીતે ઉપયોગ કરીને અમુક ચોક્કસ બ્રોકર્સને વિશેષ લાભ પહોંચાડવા બદલ નેશનલ સ્ટોક એકસચેન્જને આ દંડ ફટકારાયો

મુંબઇ તા. ૧ : સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એકસચેન્જને રૂ.૧૧૦૦ કરોડનો દંડ કર્યો છે. કેટલાક સર્વરનો ખોટી રીતે ઉપયોગ કરીને અમુક ચોક્કસ બ્રોકર્સને વિશેષ લાભ પહોંચાડવા બદલ નેશનલ સ્ટોક એકસચેન્જને આ દંડ ફટકારાયો હોવાનું સામે આવ્યું છે. આ સાથે સેબીએ નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ )ના બે પૂર્વ મેનેજીંગ ડિરેકટર્સ રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ ઉપર પાંચ વર્ષ સુધી કેટલીક સૂચિબદ્ઘ કંપનીઓ સામે કામ કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને ડિરેકટર્સને તેમનો જે-તે સમયનો પગાર પણ પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સમયે તેમણે ઓપીજી સિકયુરિટીઝ, જીકેએન સિકયુરિટીઝ અને વે૨ હેલ્થ સિકયુરિટીઝને ફાયદો પહોંચાડ્યો હતો.

સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ આ મામલે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના બે પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજીંગ ડિરેકટર રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણને આ સમયગાળા દરમિયાન તેમને મેળવેલા વેતન પૈકીનો ૨૫% હિસ્સો પરત કરવાનો આદેશ કર્યો છે.

વર્ષ ૨૦૧૫માં થયેલી એક ફરિયાદ બાદ એનએસઈની કો-લોકેશન સુવિધા તપાસના દાયરામાં આવી હતી. આ અનુસાર એનએસઈએ ટીક-બાઈ-ટીક (ટીબીટી) ડેટા રૂપરેખા અંતર્ગત જે અટયકાયતના પ્રયાસો કરવા જોઈતા હતા તે તેમાં તેમણે ઢીલાશ રાખી હતી. (ટીબીટી) ડેટા ફીડ ઓર્ડર બુકમાં થતા પરિવર્તનની જાણકારી આપે છે.

સેબીના પૂર્ણ કાલીન સભ્ય જી. મહાલિંગમે આ આદેશમાં જણાવ્યું હતું કે, 'આ મામલે કોઈ શંકા નથી કે શેરબજારે ટીબીટીની રૂપરેખાનો લાગુ કરતી વેળા કોઈ ઝાઝી મહેનત કરી નહોતીમ આ કારણે ધંધાનું એવું વાતાવરણ બની ગયું જેમાં માહિતીમાં ભારે વિસંગતતા હતી. આ બાબતને ન્યાયસંગત, નિષ્પક્ષ અને ઉચિત ગણી શકાય નહિ. વળી, બીજી તરફ સેબીએ નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ને આગામી છ મહિના સુધી કોઈપણ નવા ડિરેકટીવ પ્રોડકટસ રજુ કરવાનું જણાવ્યું નહોતું.'

(3:31 pm IST)