Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મહારાષ્ટ્રમાં નકસલીઓ ત્રાટકયાઃ ૧૬ જવાનો શહીદ

મહારાષ્ટ્ર ડેની ઉજવણી લોહીના રંગે રંગતા લોહી તરસ્યા નકસલીઓઃ ગઢચિરોલીમાં કર્યો આઈઈડી બ્લાસ્ટઃ સી-૬૦ કમાન્ડો ફોર્સના ૧૬ જવાનો શહીદ થયાઃ સામસામુ ફાયરીંગ ચાલુ : ગઢચિરોલીના જ કુરખેડામાં નકસલીઓ બેફામ બન્યાઃ ખાનગી કોન્ટ્રાકટરોના ૩ ડઝન જેટલા વાહનોને આગ લગાડીઃ મહારાષ્ટ્રમાં શાંતિપૂર્વક મતદાન અને મતદાનની ઉંચી ટકાવારીથી નકસલીઓના પેટમાં ઉકળતુ તેલ રેડાયું

નવી દિલ્હી, તા. ૧ :. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલીઓ દ્વારા બે પોલીસની ગાડીઓ ઉપર આઈઈડી દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૬ જવાનો શહીદ થયા હોવાના અહેવાલો છે. મળતી માહિતી મુજબ બે ગાડીઓમાં લગભગ ૨૫ જવાનો સવાર હતા. આ બન્ને ગાડીઓ પેટ્રોલીંગ માટે નીકળી હતી.

છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રમાં નકસલીઓનો આ સૌથી મોટો હુમલો છે. સી-૬૦ કમાન્ડોની ટીમ પર નકસલીઓએ આ હુમલો કુરખેડા-કોરચી રોડની પાસે કર્યો હતો. આ બ્લાસ્ટમાં ૧૬ જવાનો શહીદ થયા હતા. ઘટના સ્થળ પર નકસલીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે.

ગઢચીરોલીમાં આ બ્લાસ્ટ ગાઢ જંગલો વચ્ચે થયો છે. ઘટના સમયે સી-૬૦ કમાન્ડોની યુનિટની ટુકડી ત્યાંથી પસાર થતી હતી ત્યારે નકસલીઓએ ઘાત લગાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ પહેલા મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે ગઢચિરોલીમાં જ નકસલીઓએ ખાનગી કોન્ટ્રાકટરના ૨૭ વાહનોને આગ લગાડી હતી. જેમાં દોઢસોથી વધુ નકસલીઓ સામેલ છે.

મહારાષ્ટ્રમાં શાંતિપૂર્વક અને વધી રહેલા મતદાનથી નકસલીઓમાં ગુસ્સો છે જેના કારણે તેઓએ આ હત્યાકાંડ આચર્યો હતો. આજે જ ગઢચિરોલીના કુરખેડામાં તેઓએ ખાનગી કોન્ટ્રાકટરોના વાહનો સળગાવ્યા હતા.

નકસલી ખતરાઓને ધ્યાનમાં રાખતા ૧૯૯૨માં સી-૬૦ ફોર્સ તૈયાર કરવામાં આવી હતી. જેની ટ્રેનીંગ હૈદરાબાદ, બિહાર અને નાગપુરમાં અપાય છે. નકસલીઓએ આજે હિંસા પર ઉતરી આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો અને ખાનગી કોન્ટ્રાકટરોને વાહનો સળગાવ્યા હતા.

(3:32 pm IST)