Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

નાણાંકીય લેવડ-દેવડ પર આયકર વિભાગ નજર રાખશેઃ ખાસ પોર્ટલ બનાવાયું

બેંક-મંડળી સહિત સરકારી યોજનાઓ પાસેથી વિગતો મેળવાશે

રાજકોટ તા.૧: નાણાંકીય લેવડ-દેવડ દ્વારા કર છુપાવતા એકમો કે વ્યકિત ઉપર ખાસ નજર રાખવા અલગ પ્રકારનું પોર્ટલ આયકર વિભાગે બનાવ્યું છે.

ઈન્કમટેકસ વિભાગ, કાળા નાણાંને ડામવા, કરચોરી પકડવા કાર્યરત છે. કોઇપણ પ્રકારના ખર્ચ, શેર-મિલકત ખરીદી, બેકિંગ સહિતના તમામ નાણાંકીય વ્યવહારો પર આઇ.ટી. વિભાગ ચાંપતી નજર રાખશે. આ હેતુસર અલગ પોર્ટલની રચના કરાઇ છે. અને બેંક, રજિસ્ટ્રાર ઓફિસ  સહિત વિવિધ એજન્સીઓ પાસેથી વિગતો એકત્રિત કરાશે અને શંકાસ્પદ વ્યવહારો ધરાવનાર સામે પગલાં લેવાશે.

સ્માર્ટ કીમિયા કરીને બ્લેક મની બનાવતા અને કાયદાની છટકબારીનો લાભ લઇને કરચોરી કરનારાઓ પર બાજ નજર રાખવા આવકવેરા વિભાગે, ' પ્રોજેકટ ઇનસાઇટ ટ્રેકિંગ' વધાર્યું છે. કોઇપણ વ્યકિત પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરે, બેંકમાં ફિકસ ડીપોઝીટ કે શેર, ડિબેન્ચર, મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરે, મિલ્કત ખરીદે, મોટી રકમની જવેલરી ખરીદે, કોઇપણ ખરીદી માટે ક્રેડિટ કાર્ડ કે અન્ય કાર્ડ મારફતે પેમેન્ટ કરે, ફોરીન કરન્સી વગેરે પ્રકારના વ્યવહારો માટે બેંકો, રજિસ્ટ્રાર ઓફિસ, જીએસટી, સીજીએસટી સહિત સરકારી એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરાશે.

આ પ્રકારે વિવિધ સરકારી વિભાગો અને એજન્સીઓ પાસેથી આર્થિક વ્યવહારોની માહિતીના આધારે આઇ.ટી. વિભાગ પગલા ભરશે. આમ, બ્લેકમનીના વ્યવહારો કરનારા અને કરચોરી કરનારા, ટેકસ નહીં ભરનારાઓ ઇન્કમટેકસ વિભાગની નજરમાંથી છટકી શકશે નહીં.

(1:03 pm IST)