Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

આજે અયોધ્યા જશે મોદી : 'રામલલ્લા'ના દર્શન કરશે?

વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અયોધ્યા આવશે

નવી દિલ્હી તા. ૧ : બીજેપીના સૌથી મોટા સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા આવી રહ્યા છે. વડાપ્રધાન તરીકે મોદીની આ પહેલી અયોધ્યા યાત્રા છે. અયોધ્યા આવીને પણ પીએમ મોદી શ્રીરામલલા અને હનુમાનગઢી મંદિરના દર્શન નહીં કરી શકે. મોદીનું અયોધ્યા આવવું અને રામલલાના દર્શન ન કરવા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અયોધ્યા આવનારો દરેક વ્યકિત રામલલાના દર્શન કરવાનું નથી ભૂલતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ થોડા સમય પહેલા અયોધ્યા આવી ચૂકયા છે. બંનેએ રામલલાના દર્શન તો ન કર્યા, પરંતુ હનુમાનગઢી મંદિર જઈને પૂજા-અર્ચના કરી.

રામ મંદિર આંદોલનથી લઈને અત્યાર સુધી બીજેપીના બે જ એવા નેતા રહ્યા છે જેઓએ રામલલ્લાથી અંતર રાખ્યું છે. બીજેપીના તે નેતાઓમાં પહેલું નામ છે બીજેપીના સંસ્થાપક સભ્યો પૈકીના એક અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને બીજા પીએમ મોદી.

એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ અયોધ્યા આવવા માંગે છે. કારણ દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે અને તેમના ઉમેદવારો માટે રેલી કરવા પાર્ટીએ નક્કી કર્યું છે. એવામાં ફૈજાબાદ અને આંબેડકરનગરની સીમા પર યોજાનારી રેલીને પણ તે ના ન કહી શકે.

પીએમ મોદીની રેલી આંબેડકર અને ફૈજાબાદ બોર્ડર પર નક્કી કરવામાં આવી છે. પીએમ મોદીનું રેલી સ્થળ બંને સંસદીય ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. પીએમ મોદીના રેલી સ્થળથી રામલલાની જન્મભૂમિ ખાસ દૂર નથી. રાહુલ ગાંધી ૨૦૧૭માં યૂપી વિધાનસભા દરમિયાન અયોધ્યા આવ્યા હતા અને હનુમાનગઢી પણ ગયા હતા. પ્રિયંકા ગાંધી પણ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ અયોધ્યા આવ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ રામલલાથી અંતર રાખ્યું હતું. તેને લઈને તર્ક એવો આપવામાં આવ્યો હતો કે મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે તેથી તેઓ અસ્થાઈ રામમંદિરમાં નહીં જાય.

જાણકારી મુજબ હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને સુપ્રીમ કોર્ટમાં આ મામલો વિચારાધીન છે તેથી મોદી ત્યાં જવાથી બચવા માંગે છે, પરંતુ પીએમ મોદી અયોધ્યામાં આવીને રામલલાની વાત ન કરે એવું શકય નથી. તેના માટે અયોધ્યામાં મોદીની સભા સુધી રાહ જોવી પડશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આજે અયોધ્યામાં કંઈક એવું ચોક્કસ કહેશે, જેને ગૂંજ અને ઝલક દૂર સુધી જોવા મળી શકે છે.

(11:36 am IST)