Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પ્રવચનોનું પોસ્ટમોર્ટમ

વડાપ્રધાને પ્રવચનોમાં 'ગરીબી - વિકાસ'ને બદલે 'પાકિસ્તાન - ચોકીદાર' ઉપર વધુ ધ્યાન આપ્યું

પ્રવચનોમાં ૮૮ વખત પાકિસ્તાન, સૈન્ય ૭૨, કોંગ્રેસ ૩૮, વિકાસ ૧૨, ખેડૂત ૨૩, ભાજપનો ૨૧ વખત ઉપયોગ કર્યો

નવી દિલ્હી તા. ૧ : ઈન્ડિયા ટૂડેના ડેટા ઈન્ટેલિજન્સ યૂનિટ (DIU)એ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદીના ભાષણનું વિશ્લેષણ કર્યું છે અને તેમાં જોવા મળ્યું છે કે, તેમની કન્ટેન્ટનું ફોકસ બદલાયુ છે. મોદીના ભાષણોમાં હવે 'ગરીબી'ની જગ્યાએ 'ચોકીદાર'ને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિશ્લેષણ માટે મોદીના ૨૦૧૪ અને ૨૦૧૯ના ચૂંટણી પહેલાંના ૫-૫ ભાષણો લેવામાં આવ્યા છે. જેમકે ૨૦૧૪માં પટના, વારાણસી, દિલ્હી, ચેન્નાઈ અને મેરઠના ભાષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જયારે ૨૦૧૯માં ભાગલપુર, કેન્દ્રપાડા, મુરાદાબાદ, પણજી અને બુનિયાદપુરના ભાષણો લેવામાં આવ્યા છે.

૨૦૧૪માં મોદીના ભાષણમાં 'ગરીબી' ઉપર વધારે ફોકસ કરવામાં આવતુ હતું. તે શબ્દ તેમના ભાષણમાં ૫૫ વખત વાપરવામાં આવ્યો હતો. જયારે ૨૦૧૯માં મોદીના ભાષણોમાં સૌથી વધુ બોલાયેલા શબ્દો ચોકીદાર, પાકિસ્તાન અને સેના છે. ગરીબીનો ઉલ્લેખ મોદીએ કર્યો છે પરંતુ તેની ફ્રિકવન્સી ઘણી ઓછી થઈ છે. ૨૦૧૪માં મોદીના ભાષણમાં ગરીબ સિવાય કોંગ્રેસ (૪૩), બીજેપી (૩૧), ગુજરાત (૨૮), ખેડૂત (૨૮) અને વિકાસ (૨૫) સૌથી વધારે બોલાતા શબ્દોમાં સામેલ છે.

૨૦૧૯ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીના ભાષણમાં ચોકીદાર શબ્દનો સૌથી વધુ ૧૦૬ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્ચમાં વડાપ્રધાને વિપક્ષ તરફથી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા પછી ટ્વિટર ઉપર પણ 'મેં ભી ચૌકીદાર' કેમ્પેન શરૂ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની પાર્ટીના પ્રચાર દરમિયાન મોટા ભાગના ભાષણોમાં ચોકીદાર ચોર છેના સ્લોગનનો ઉપયોગ કરી રહ્યા છે. ચોકીદાર અને ગરીબી સિવાય ૨૦૧૯ના મોદીના ભાષણમાં પાકિસ્તાન (૮૮), ભારતીય સૈન્ય (૭૨), મોદી (૪૨), કોંગ્રેસ (૩૮), વિકાસ (૧૨), ખેડૂત (૨૩) અને બીજેપી (૨૧) શબ્દનો સૌથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી તેમના ભાષણોમાં વિકાસના ગુજરાત મોડલ પર ભાર આપતા હતા. તેથી તેમણે તે સમયે વિકાસ શબ્દનો ૨૫ વખત અને ગુજરાત શબ્દનો ૨૮ વખત ઉપયોગ કર્યો હતો. ૨૦૧૯માં તેમના ભાષણમાં વિકાસનો ૩૧ વખત અને ગુજરાતનો માત્ર એક વાર જ ઉલ્લેખ કરાયો છે.

૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બંનેમાં મોદીના ભાષણમાં ખેડૂતો ટોપ પર રહ્યા છે. ૨૦૧૪ના ચૂંટણી ભાષણમાં મોદીએ ખેડૂત શબ્દનો ઉપયોગ ૨૮ વખત અને ૨૦૧૯માં ૨૩ વખત કર્યો છે.

ગરીબી અને બેરોજગારી એવા મુદ્દા છે જેનો બીજેપીએ ૨૦૧૯ના મેનિફેસ્ટોમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો નથી. હાલના પીએમ મોદીના ભાષણમાં આ શબ્દોનો વધારે વખત ઉલ્લેખ કરાયો નથી.૨૦૧૪માં ગરીબી શબ્દનો મોદીએ તેમના ભાષણમાં ૧૯ વાર ઉલ્લેખ કર્યો છે અને ૨૦૧૯ના ભાષણમાં તેનો માત્ર ૩ વખત જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ વિપક્ષનો ચૂંટણી માટે આ વખતે ગરીબી જ મુખ્ય મુદ્દો રહ્યો છે. તેઓ વારંવાર તેમની ન્યૂનતમ આવક યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

આ જ રીતે મોદીના ભાષણમાં બેરોજગારી શબ્દનો ઉપયોગ ૨૦૧૪માં ૬ વખત કરવામાં આવ્યો છે જયારે ૨૦૧૯માં આ શબ્દનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટ પ્રમાણે બેરોજગારી ઓલ હાઈ સ્તરે છે.

મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ શબ્દનો ઉપયોગ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેનો સંદર્ભ અલગ અલગ હતો. ૨૦૧૪માં વડાપ્રધાન આતંકવાદનો ઉલ્લેખ પોતાના ભાષણોમાં માત્ર એક જ વખત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ અનેક આતંકવાદી ઘટનાઓને લઈને ચકિત છે. ૨૦૧૯માં તેઓએ આતંક, આતંકી અને આતંકવાદ શબ્દોનો ઉપયોગ કર્યો છે. મોદીએ પોતાના ભાષણમાં આ શબ્દનો ઉલ્લેખ ૨૪ વખત કર્યો છે.૨૦૧૪ના ચૂંટણી ભાષણમાં મોદીએ ચાર વખત કહ્યું હતું કે પાકિસ્તાન ભારત માટે પરેશાની ઊભી કરી શકે છે. ૨૦૧૯માં વડાપ્રધાને ભાષણોમાં પાકિસ્તાન શબ્દનો ઉપયોગ ૧૫ વખત કર્યો છે. પાકિસ્તાન અને આતંકવાદ બંને શબ્દ એક સાથે મોદીના ૨૦૧૯ના ભાષણોમાં આવ્યા પરંતુ ૨૦૧૪માં એવું ન હતું.

રસપ્રદ છે કે પીએમ મોદીના ભાષણોમાં પાંચ વર્ષમાં મોદી શબ્દનો ઉપયોગ વધ્યો છે તો બીજી તરફ ભાજપ શબ્દનો ઉલ્લેખ ઘટ્યો છે. ૨૦૧૪માં મોદીએ ભાજપ શબ્દનો ઉપયોગ ૩૩ વખત અને મોદીનો ૧૧ વખત કર્યો છે. જો કે ૨૦૧૯માં પીએમએ મોદી શબ્દનો ઉપયોગ ૪૨ વખત અને ભાજપ શબ્દનો ઉપયોગ ૨૪ વખત કર્યો છે.

પીએમ મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં કોંગ્રેસ શબ્દનો ઉપયોગ પણ ભાજપ શબ્દના ઉચ્ચારણથી વધુ વખત કર્યો છે. જો કે આ પાંચ વર્ષમાં ફ્રિકવન્સી ઘટી ગઈ છે. ૨૦૧૪માં મોદીના ભાષણોમાં કોંગ્રેસનો ઉલ્લેખ ૪૫ વખત આવ્યો હતો તો ૨૦૧૯માં તે ઘટીને ૩૮ વખત થયો છે. ૨૦૧૪માં કોંગ્રેસ મોદીના ભાષણોમાં બોલનારો બીજો ટોપનો શબ્દ હતો. જે ૨૦૧૯માં ચોથા નંબરે આવી ગયો છે. પહેલાં ત્રણ સ્થાન પર ચોકીદાર, ગરીબ અને મોદી શબ્દો છે.

(11:36 am IST)