Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મોદીને ચૂંટણીપંચે આપી કિલનચીટ

આચારસંહિતા ભંગનો મામલો

નવી દિલ્હી તા. ૧ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા પખવાડિયે મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભામાં કરેલા ભાષણમાં અમુક નિવેદન કરીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે ચૂંટણી પંચે બેઠક યોજી હતી અને પંચે એવો નિર્ણય લીધો છે કે મોદીએ કોઈ પ્રકારનું ઉલ્લંઘન કર્યું નથી.

મોદીએ મહારાષ્ટ્રના વર્ધા શહેરની ચૂંટણી સભામાં એમ કહ્યું હતું કે જયાં હિન્દુઓનું વર્ચસ્વ છે એ મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારોને ફરી ઉભા રાખતાં વિરોધ પક્ષો ગભરાય છે. ચૂંટણી પંચે કહ્યું છે કે મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોય એવું એમને જણાયું નથી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેરળના વાયનાડમાંથી ચૂૂંટણી લડી રહ્યા છે એ વિશે મોદીએ રાહુલની ઝાટકણી કાઢી હતી. એને પગલે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

ચૂંટણી પંચનાં સભ્યોએ ભાજપપ્રમુખ અમિત શાહ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની એમની સામેની ફરિયાદો વિશે પણ આજે ચર્ચા કરી હતી.

નાયબ ચૂંટણી કમિશનર ચંદ્રભૂષણ કુમારે અગાઉ કહ્યું હતું કે ચૂંટણી પંચની સંપૂર્ણ બેઠક આજે મળશે અને ફરિયાદો અંગે નિર્ણય લેશે.

ચૂંટણી પંચની સંપૂર્ણ બેઠક દર મંગળવાર અને ગુરૂવારે મળતી હોય છે. જેમાં મહત્ત્વના પ્રશ્નો અંગે નિર્ણયો લેવાતા હોય છે.

જમ્મુ અને કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની સંભવિત તારીખો અંગે પણ ચૂંટણી પંચના સભ્યો આજે ચર્ચા કરવાના હતા.

જમ્મુ અને કશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અહેવાલ આપતાં ત્યાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજી શકાય નથી.

અમિત શાહે ગયા સોમવારે પશ્ચિમ બંગાળમાં એમના એક ચૂંટણી ભાષણમાં 'મોદીજી કી વાયુસેના' ટિપ્પણી કરી હતી જેની ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર વખતે દેશના સશસ્ત્ર દળોનો ઉપયોગ ન કરવાની ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પહેલેથી જ ખાસ ચેતવણી આપી હતી. વડા પ્રધાન મોદી વિરુદ્ઘ રાહુલ ગાંધીએ આદરેલા 'ચોકીદાર ચોર હૈ' પ્રચાર વિશેની ફરિયાદોને પણ ચૂંટણી પંચે ગંભીરતાથી લીધી છે.

(11:34 am IST)