Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પાંચમા તબક્કાનો ચૂંટણી જંગઃ ૧૮૪ કરોડપતિ ઉમેદવારોઃ શત્રુઘ્નના પત્નિ પૂનમની મિલ્કત ૧૯૩ કરોડઃ અનેક દાગીઓ પણ મેદાનમાં છે

૬ ઉમેદવારો ભણવામાં શૂન્ય છેઃ ૨૬૪ ઉમેદવારો ૫ થી ૧૨ સુધી ભણ્યા છેઃ ૪૩ ઉમેદવારો માત્ર સાક્ષર

નવી દિલ્હી, તા. ૧ :. પાંચમાં તબક્કાની ચૂંટણીમાં ૬૭૪ ઉમેદવારો માટે ૬૬૮ના સોગંદનામા ઉપરથી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે અનુસાર અનેક ઉમેદવારોની સંપત્તિ અમુક હજાર કરોડ રૂપિયા છે, તો અમુકે શૂન્ય સંપત્તિ બતાડી છે. સૌથી વધુ સંપત્તિ શત્રુઘ્ન સિન્હાની પત્નિ પૂનમ સિન્હાની છે. તેમની પાસે ૧૯૩ કરોડ રૂપિયા છે. પાંચમા ચરણમાં કુલ ૧૮૪ ઉમેદવારો કરોડપતિ છે.

 

એડીઆરના રીપોર્ટ અનુસાર ૬ઠ્ઠી તારીખે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં સિન્હા પછી સીતાપુરથી સપાના ઉમેદવાર વિજયકુમાર મિશ્રા પાસે ૧૭૭ કરોડ રૂપિયા છે. તે પછી ભાજપના સાંસદ જયંત સિન્હા છે જેમની સંપત્તિ ૭૭ કરોડ છે. ૬૬૮માંથી ૧૮૪ એવા છે જેમની સંપત્તિ ૧ કરોડથી વધુ છે. આમાથી મોટા ભાગના ભાજપના છે.

૨૬૪ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક યોગ્યતા ૫ થી લઈને ૧૨મા સુધીની બતાડી છે. ૩૪૮ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. ૪૩ માત્ર સાક્ષર છે અને ૬ નિરક્ષર છે.

આ ચરણમાં અનેક ઉમેદવારો દાગી છે. ૧૨૬ ઉમેદવારો પર આપરાધીક કેસ છે. ૯૫ ઉમેદવારો જઘન્ય અપરાધોમાં સામેલ છે. ૩ ઉપર હત્યાના મામલા છે. ૯ મહિલાઓ ઉપર હિંસાનો આરોપ છે. ભાજપના ૪૮માંથી ૨૨ ઉમેદવારો પર કેસ છે. જ્યારે કોંગ્રેસના ૪૫માંથી ૧૪ ઉપર, બસપાના ૩૩માંથી ૯ ઉપર અને સપાના ૯માંથી ૭ ઉપર કેસ છે.

(11:26 am IST)