Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

બચત ખાતા, શોર્ટ ટર્મ લોન માટે કાલથી નવા રૂલ રહેશે

બેંકથી વ્યાજદર નક્કી કરવાના આધાર બદલશે : વ્યાજદરને રિઝર્વ બેંકના રેપોરેટ સાથે લિંક કરી દેવાશે

મુંબઈ, તા. ૩૦ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આવતીકાલથી સેવિંગ્સ એકાઉન્ટ અને શોર્ટટર્મ લોન માટે નવા નિયમો લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. બેંકથી વ્યાજદર નક્કી કરવાના આધાર બદલવાની તૈયારી છે. એક લાખ રૂપિયાથી વધારેના બેલેન્સવાળા સેવિંગ્સ એકાઉન્ટ અને શોર્ટ ટર્મ લોન માટે વ્યાજદરને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપોરેટ સાથે લિંક કરવામાં આવશે. હાલમાં નવા નિયમથી કેટલાક બચત ખાતા ધારકોને ફટકો લાગશે જ્યારે શોર્ટ ટર્મ લોન સસ્તી થશે. આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ફેરફાર કરતાની સાથે વધારે ડિપોઝિટવાળા સેવિંગ્સ એકાઉન્ટ અને કેટલાક શોર્ટ ટર્મ લોન પર વ્યાજદરોમાં સીધીરીતે ફેરફાર થઇ જશે.

હાલમાં લોન બેંકના ફંડિંગ કોસ્ટ સાથે જોડાયેલા હોય છે. બેંક દ્વારા દર મહિને ઘોષિત કરવામાં આવતા લેન્ડિંગ રેટ એમસીએલઆર પર આધારિત રહે છે. ઇન્ટરનલ બેંચમાર્ક માર્જિનલ પોસ્ટ કોસ્ટ ઓફ ફંડ મારફતે નક્કી કરવામાં આવે છે. એમસીએલઆર પહેલાની જેમ અમલી રહેશે પરંતુ બચત ખાતાના દરને રેપોરેટ સાથે જોડવાની સ્થિતિમાં પોલિસી રેટની સાથે કોસ્ટ ઓફ ફંડ બદલશે જેથી વધુ સારા ટ્રાન્સમિશન થઇ શકશે. પહેલાની સરખામણીમાં બેંકોને હવે વધારે સુવિધા મળી શકે છે. રિઝર્વ બેંક બેંકોની સાથે વારંવાર આ મુદ્દે ચર્ચા કરે છે તે જેટલા પ્રમાણમાં રેપોરેટમાં ઘટાડો કરે છે તેટલા પ્રમાણમાં બેંકો ગ્રાહકોને લાભ આપતી નથી. આ પ્રકારની ફરિયાદો વારંવાર ઉઠ્યા બાદ હવે એસબીઆઈએ નવા નિયમો અમલી કરી દીધા છે. આનાથી સીધી અસર થશે. હજુ સુધી એસબીઆઈમાં એક કરોડ રૂપિયા સુધીની બચત બેંક જમા પર વ્યાજદર ૩.૫૦ ટકા છે. જ્યારે એક કરોડથી વધુની જમા પર દર ચાર ટકા છે. રેપોરેટ હાલમાં ૬.૨૫ ટકા છે.

(12:00 am IST)