Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નીરવ મોદી ન્યુયોર્કમાં પહોંચ્યો:ગુરૂવારથી ત્રણ કંપનીની લીલામની પ્રક્રિયા શરૂ

નાદાર જાહેર કરવાની અપીલ છતાં નીરવ મોદી પોતાના કર્મચારીઓને બોનસ આપવા માગે છે.: વિલિયમ કે. હેરિંગ્ટનનો દાવો

પંજાબ નેશનલ બેંકમાં અંદાજે 13 હજાર કરોડના કૌભાંડનો માસ્ટર માઇન્ડ નીરવ મોદી હાલ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એવું જાણવા મળ્યું છે કે  નીરવ મોદી ન્યૂયોર્કના જેડબ્લ્યુ મેરિયોટ એસેક્સ હાઉસમાં પહોંચ્યો છે નીરવ મોદીએ આ હોટલમાં પોતાના નામે રૂમ રજિસ્ટર્ડ કરાવ્યો છે.

   નીરવ મોદીની ત્રણ કંપનીઓના લિલામની પ્રક્રિયા ૩ મેથી શરૂ થશે. નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ક, જેએફ અને સિનર્જિસ કોર્પોરેશનનું લિલામ ૩ મેના રોજ ન્યૂયોર્કમાં યોજાશે. નીરવ મોદીએ ન્યૂયોર્કની એક કોર્ટમાં પોતાને નાદાર જાહેર કરવાની અપીલ દાખલ કરી છે.

  આ દરમિયાન અમેરિકન ટ્રસ્ટી વિલિયમ કે. હેરિંગ્ટનનો દાવો છે કે નાદાર જાહેર કરવાની અપીલ છતાં નીરવ મોદી પોતાના કર્મચારીઓને બોનસ આપવા માગે છે.

   વિલિયમે આ વાત સામે વાંધો ઉઠાવ્યો છે. વિલિયમે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે તેમાં જણાવાયું છે કે અદાલતને એ ખબર પડી ગઇ છે કે નીરવ મોદીની કંપની નાદાર જાહેર કરવાની પ્રક્રિયા જારી છે. આ ઉપરાંત નીરવ મોદી ભારતની એક બેન્કના ગોટાળામાં સંડોવાયેલ છે. આ સંજોગોમાં કર્મચારીઓને બોનસ આપવાની વાત યોગ્ય નથી.

  વિલિયમના જણાવ્યા મુજબ નીરવ મોદીની ત્રણ કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ક, જેએફ અને સિનર્જિસ કોર્પોરેશનને ન્યૂયોર્કની કોર્ટમાં નાદાર જાહેર કરવાની અરજી દાખલ થઇ છે. તેમ છતાં નીરવ મોદી પોતાના કર્મચારીઓને ર.૩૦ લાખ અમેરિકન ડોલર જેટલું બોનસ આપવા માગે છે.

 

 

(12:47 pm IST)