Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

RSS દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે : SGPC

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિરૂદ્ધ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટીએ આકરો પ્રસ્તાવ પસાર કર્યો : આરએસએસ બીજા ધર્મો અને લઘુમતીઓની આઝાદીને દબાવી રહેલ છે : સંઘની સાજીશોનો શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી દ્વારા સખત વિરોધ : ઠરાવમાં કહ્યુ કે ભારત બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે : શીખ કોમે દેશની આઝાદી માટે ૮૦%થી વધુ બલિદાન આપ્યા છે

અમૃતસર : શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી (એસજીપીસી) દ્વારા કમીટીના જનરલ હાઉસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિરૂદ્ધ મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યુ છે કે આર.એસ.એસ. બીજા ધર્મો અને લઘુમતીઓના લોકોને દબાવી રહી છે. આ સાથે જ આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે.

શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના જનરલ સત્ર દરમિયાન પસાર થયેલ એક ઠરાવ દ્વારા ભારતમાં શીખો અને લઘુમતીઓને દબાવવા માટેની સાજીશોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. ઠરાવમાં કહેવાયુ છે કે ભારત એક બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે. તેની આઝાદીમાં દરેક ધર્મનું મોટું યોગદાન રહેલ છે. ખાસ કરીને શીખ કોમે ૮૦%થી વધુ બલિદાન આપેલ છે, પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આરએસએસ તરફથી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સાજીશો હેઠળ બીજા ધર્મોની ધાર્મિક આઝાદીને દબાવવામાં આવી રહી છે.

આ ઠરાવ દ્વારા ભારત સરકારને સાવધાન કરવામાં આવેલ છે કે ભારત સરકાર આરએસએસ દ્વારા શરૂ કરવામાં આવેલ કોશિષોને અમલી બનાવવા માટે તત્પર બનવાના સ્થાને પ્રત્યેક ધર્મના અધિકારો અને ધાર્મિક આઝાદીને સુરક્ષીત બનાવવા માટે કામ કરે. જે પણ લઘુમતીને દબાવવાનો પ્રયાસ કરે તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના આ ઠરાવથી મોટો ખળભળાટ મચી ગયો છે.

(4:12 pm IST)