Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

કોરોના સંક્રમીત થયેલ પુરૂષોની ફર્ટિલિટીમાં ઘટાડો નોંધાયો : મહિલાઓમાં પણ ઘણી સમસ્યાઓ વધી

રોમ યુનિવર્સિટીના ડોકટરોએ ૧૦૦ પુરૂષો ઉપર સંશોધન કર્યું

નવી દિલ્હી,તા. ૧: કોરોનાને કારણે પુરૂષોની ફર્ટિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે.કોરોનાને કારણે ઈરેકટાઈલ ડિસફંકશનના કેસો વધી રહ્યાં છે તમને જણાવી દઈએ કે, કોરોનાને કારણે ઈરેકટાઈલ ડિસફંકશનના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ડેલીમેલના એક સમાચાર મુજબ, રોમ યુનિવર્સિટીના ડોકટરોએ ૧૦૦ પુરુષોની તપાસ કરી. જેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની સરેરાશ ઉંમર ૩૩ વર્ષ હતી, પરંતુ પરિણામો ચોંકાવનારા હતા.

આ ડોકટરોએ શોધી કાઢ્યું કે કોરોનાથી સંક્રમિત ૨૮ ટકા પુરુષોમાં ઇરેકટાઇલ ડિસફંકશનના કેસ સામે આવ્યા. જે સૂચવે છે કે તેઓ નપુંસકતા અથવા આંશિક નપુંસકતા તરફ આગળ વધી રહ્યાં હતા, જેમાં તેઓ શારીરિક સંબંધ બનાવવામાં પણ સક્ષમ નહોતા. જયારે, સામાન્ય લોકોમાં આ સમસ્યા માત્ર ૯ ટકા લોકોમાં જોવા મળી હતી.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, મહિલાઓની સરખામણીમાં ૧.૭ ગણા વધુ પુરુષોનું કોરોનાથી મોત થયું. એટલું જ નહીં, કોરોના વાયરસ સીધા શ્વેત રકતકણોને અસર કરી રહ્યો છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી થઈ રહી છે અને લોહી પણ ઘટ્ટ થઈ રહ્યું છે.

સંશોધન મુજબ લોહી ઘટ્ટ થવાને કારણે પુરુષોના જનનાંગોને લગતી સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. કોરોના એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનને અસર કરી રહ્યો છે, જે અન્ય સમસ્યાઓ પેદા કરે છે. ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થવાને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ રહી છે.

નવા સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં કોરોનાનો સમનો કરવામાં સેકસ્યુઅલ હોર્મોન્સને મદદગાર માનવામાં આવી રહ્યાં હતા, પરંતુ હવે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે, કોરોના સંક્રમણ બાદ લોકોના સેકસ હોર્મોન્સના સ્તરમાં ઘટાડો આવ્યો છે. જે એક મોટો ખતરો છે. તેના કારણે ઇરેકટાઇલ ડિસફંકશનની સાથે સંપૂર્ણ નપુંસકતાનો પણ શિકાર થવાનો ખતરો વધી ગયો છે.

રિસર્ચનું એવું પણ કહેવું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી પુરૂષો પર તો વધુ ખતરો છે જ પરંતુ મહિલાઓએ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટવા પર મહિલાઓના માસિક ધર્મ સંબંધી પરેશાનીઓ જોવા મળી રહી છે અને સમય પહેલાં મેનોપોઝનો ખતરો પણ વધી રહ્યો છે.

(4:08 pm IST)