Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આંધ્ર પ્રદેશમાં રાજકારણ ગરમાયું

તિરૂપતિ મંદિરમાં દાન કરેલા ભકતોના વાળ પહોંચી રહ્યા છે ચીન !

વિદેશોમાં વાળની તસ્કરીનો સણસણતો આરોપ

હૈદ્રાબાદ તા. ૧ : આંધ્ર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેલુગૂ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા અયન્ના પત્રુદુએ તિરૂપતિ મંદિર વિદેશોમાં વાળની તસ્કરીનો સણસણતો આરોપ લગાવ્યો છે. ટીડીપી નેતાનું કહેવું છે કે વાળોની તસ્કરીમાં સત્તાધારી પાર્ટી YSR કોંગ્રેસના અનેક નેતા સામેલ છે. ટીડીપી નેતાનો આરોપ છે કે વાળ મ્યાન્માર, થાઈલેન્ડ અને ચીન મોકલવામાં આવી રહ્યા છે. ટીડીપી નેતાએ મિઝોરમ-મ્યાન્માર સરહદ પર તહેનાત આસામ રાઇફલ્સના ૨ કરોડ રૂપિયાની કિંમતવાળા માણસોના વાળોને જપ્ત કર્યાના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો.

પત્રુદુએ કહ્યું કે, આ ઘટનાએ રાજયમાં ગેરકાયદેસર તસ્કરીનો ભાંડો ફોડી દીધો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આનાથી એ સ્પષ્ટ થાય છે કે વાઈએસઆઈઆર કોંગ્રેસના નેતા રેત, સીમેન્ટ અને દારૂ ઉપરાંત માણસોના વાળોની પણ માફિયાગેંગ ચલાવી રહ્યા છે. પત્રુદુનો આરોપ છે કે તસ્કરી કરવામાં આવેલા વાળને મ્યાન્માર મોકલવામાં આવ્યા જયાં આગળની પ્રક્રિયા માટે થાઈલેન્ડ અને પછી ચીન મોકલવામાં આવ્યા. તેમનો દાવો છે કે પ્રોસેસ્ડ વાળોનો ઉપયોગ વિગ બનાવવામાં કરવામાં આવશે, જેનો વેપાર દુનિયાભરમાં ફેલાયલો છે. પોતાના નિવેદનમાં ટીડીપી નેતાએ જગનમોહન રેડ્ડીના નેતૃત્વવાળી સરકાર પાસે કેસમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે.

તેમણે કહ્યું કે, રેડ્ડી સરકાર પૂજનીય મંદિરથી વાળમાફિયાઓ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ કઈ રીતે થઈ ગઈ? પત્રુદુએ કહ્યું કે, 'આ રીતે અપવિત્ર ગતિવિધિઓમાં સંકળાઇને વાઈએસઆર કોંગ્રેસના નેતા હિંદુ ભકતોની ભાવનાઓને સતત ઠેસ પહોંચાડી રહ્યા છે.' તેઓ આગળ કહે છે કે, 'દુનિયાભરમાંથી હજારો શ્રદ્ઘાળુઓ અહીં આવે છે અને ભગવાન પ્રત્યે ભકિતભાવથી પોતાના વાળ દાન કરે છે. સત્તા પક્ષના નેતા મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવા માટે એક પછી એક ઉલ્લંઘનનો સહારો લઈ રહ્યા હતા.'

બીજી તરફ મંદિરની દેખરેખ કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટે આ આરોપોને પાયાવિહોણા અને જૂઠા ગણાવ્યા છે. TTDના એડિશનલ એકિઝકયુટિવ અધિકારી એ.વી. ધર્મ રેડ્ડી કહે છે કે ટ્રસ્ટે ભકતોના વાળોને સ્ટોરેજ, પ્રોસેસિંગ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશનની પરફેકટ સિસ્ટમ બનાવી છે અને અહીં કોઈ પણ પ્રકારના દુરૂપયોગ અથવા ગરબડની જગ્યા નથી. રેડ્ડીએ આગળ કહ્યું કે, વાળો ઈ-પ્લેટફોર્મમાં બિડરને સોંપવાની સાથે જ ટીટીડીની જવાબદારી ખત્મ થઈ જાય છે. તેમણે કહ્યું કે, ટીટીડી આસામ રાઇફલ્સ અને મિઝોરમ પોલીસના સંપર્કમાં છે, જેઓ હેયર સ્મગલિંગ કેસની તપાસ કરી રહ્યા છે.

(10:25 am IST)