Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ભારતીય સેનામાં વધુ ત્રણ રાફેલ વિમાનો સામેલ થયા

ભારત પાસે રાફેલ વિમાનોની સંખ્યા ૧૪ થઈ જશે : ફ્રાન્સથી ઊડાન ભરનારા વિમાનોને રસ્તામાં યુએઈએ આકાશમાં જ ઈંધણ ભરી આપવા માટેની સુવિધા આપી

નવી દિલ્હી, તા. ૩૧ : ભારતને બુધવારે વધુ ૩ રાફેલ ફાઈટર વિમાન મળ્યા જે અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થયા. આ ફાઈટર જેટ ફ્રાંસથી ઉડાન ભરશે અને યુએઈ તેમને રસ્તામાં આકાશમાં જ ઈંધણ ભરી આપવાની સુવિધા આપશે. આ વિમાનો સાંજે ૭:૦૦ કલાકે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ ભારત પાસે રાફેલ વિમાનોની સંખ્યા ૧૪ થઈ જશે.

આગામી એપ્રિલ મહિનામાં વધુ ૯ રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં ઉમેરાશે. જે પૈકીના ૫ પશ્ચિમ બંગાળના હશિમારા એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમૈનુએલ લેનિને મંગળવારે એપ્રિલના અંત સુધીમાં વધુ ૫ રાફેલ જેટ ભારતને મળી જશે તેમ જણાવ્યું હતું.

સાથે જ તેમણે નિર્ધારિત સમય પહેલા ભારતને રાફેલ જેટ વિમાન પહોંચાડી શકવા બદલ ગર્વની લાગણી પ્રદર્શિત કરી હતી. આધુનિક તકનીકોથી સજ્જ આ વિમાનોને ગત વર્ષે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વિમાનોને પૂર્વીય લદ્દાખ અને અન્ય મોર્ચે ચીન સામે સજ્જ કરવામાં આવ્યા છે.

ભારતે ૨૦૧૬માં ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા સોદો કર્યો હતો. તે પૈકીના ૫૦ ટકા વિમાનો એપ્રિલના અંત સુધીમાં ભારતને મળી જશે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ ત્રણેય મોરચે લડવા માટે સક્ષમ છે.

(12:00 am IST)