Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સેનામાં પ્રથમવાર ૧૦૧ મહિલા સૈનિકોની ટૂકડી સામેલ કરાશે

ભારતીય સેનામાં આ વર્ષે નવો ઈતિહાસ સર્જાશે : સેનામાં મહિલાઓને સિપાહી અને હવાલદારની પોસ્ટ ઉપર તૈનાત કરવાનો નિર્ણય વર્ષ ૨૦૧૭માં લેવાયો હતો

નવી દિલ્હી, તા. ૩૧ : ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે.

સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો.એ પછી ડિસેમ્બર ૨૦૧૯માં ૧૦૧ મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.આ ટ્રેનિંગની શરુઆત જાન્યુઆરીમાં થઈ હતી.કુલ ૬૧ વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.

હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત ૧૯૯૨માં થઈ હતી.તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફટેનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઈ શકતી હતી.હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પહેલી વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય સેના ૨૦૩૦ સુધીમાં ૧૭૦૦ મહિલા સૈનિકોને સેનામાં મિલિટરી પોલીસ તરીકે સામેલ કરવા માંગે છે.બીજી તરફ ૨૦૧૯માં સેનાએ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાનુ પણ એલાન કર્યુ હતુ.આ નિર્ણયના કારણે હવે મહિલા અધિકારીઓ કર્નલ, બ્રિગેડિયર કે જનરલ રેક્નના હોદ્દા સુધી પહોંચવા માટે પણ લાયક બનશે.

(12:00 am IST)