Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

કાશ્મીરથી કન્યાકુમારી આઠ દિવસમાં સાયકલ પર સફર

કાશ્મીરના બારામુલ્લાના યુવાનની અનોખી સિધ્ધિ : સિધ્ધિ બદલ આદિલને ગિનિઝ બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન

શ્રીનગર, તા. ૩૧ :કાશ્મીરના બારામૂલાના યુવાને સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર આઠ જ દિવસમાં પૂરી કરીને ઈતિહાસ સર્જયો છે. બારામૂલાના ૨૩ વર્ષીય સાયકલિસ્ટ આદિલ તેલીને કાશ્મીરના લાલ ચોકથી ૨૨ માર્ચે વિદાય આપવામાં આવી હતી.એ પછી આઠ દિવસ અને એક કલાકમાં તેમણે કન્યાકુમારી સુધીનુ અંતર સાયકલ પર કાપ્યુ છે.ભારતના સામ સામા છેડા પર આવેલા આ બે સ્થળો વચ્ચેનુ અંતર ૩૬૦૦ કિલોમીટર જેટલુ થવા જાય છે.આ સિધ્ધિ બદલ આદિલને ગિનિઝ બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યુ છે.

આદિલ કાશ્મીરનો પ્રોફેશનલ સાયકલિસ્ટ છે.કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રામાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.આ સાયકલ યાત્રા કરતા પહેલા આદિલ ચારેક મહિના અમૃતસરમાં રોકાયા હતા અને ટ્રેનિંગ લીધી હતી.આ પહેલા આદિલ શ્રીનગરથી લેહ સુધીની ૪૪૦ કિલોમીટરની સાયકલ મુસાફરી ૨૬ કલાક અને ૩૦ મિનિટમાં પૂરી કરી ચુક્યા છે.

આદિલે પરિવારજનોનો અને પ્રાયોજકોનો આભાર માનીને કહ્યુ હતુ કે, તેમના તરફથી મને તમામ સુવિધાઓ મળી હતી.

(12:00 am IST)