Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

રાહુલ ગાંધીનું મોટું ચૂંટણી વચન

'સત્તા પર આવીશું તો ૨૨ લાખ સરકારી નોકરીઓ ભરી દઇશું'

નવી દિલ્હી તા. ૧ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક મોટું ચૂંટણી વચન આપતાં જણાવ્યું છે કે સરકારી વિભાગોમાં હાલ ૨૨ લાખ જેટલી નોકરીઓ ખાલી પડી છે અને જો અમારી પાર્ટી સત્તા પર આવશે તો એક જ વર્ષમાં આ તમામ નોકરીઓ ભરી દેશે.

રાહુલે એક ટ્વીટમાં આમ કહ્યું છે. એમણે વધુમાં કહ્યું છે કે આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રો તથા અન્ય યોજનાઓના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકારોને જે ભંડોળ સુપરત કરવામાં આવશે એને ખાલી પડેલી આ નોકરીઓ સાથે લિન્ક કરવામાં આવશે.

આજે દેશમાં ૨૨ લાખ સરકારી નોકરીઓ ખાલી પડેલી છે. અમે ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં આ પદો પર નિમણૂક કરીશું. નવી સરકાર લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ – મે મહિનામાં સત્તા પર આવશે.

નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપને હરાવવા માટે રાહુલ ગાંધી એમની પાર્ટીનું ચૂંટણી ઘોષણાપત્ર રિલીઝ કરવા પૂર્વે શ્રેણીબદ્ઘ ચૂંટણી વચનો આપી રહ્યા છે.

ગયા શનિવારે એમણે એમ કહ્યું હતું કે ભારતમાં જળ સ્ત્રોતો અને વનીકરણ વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. એ માટે એમની પાર્ટી જો સત્તા પર આવશે તો લાખો ગ્રામિણ યુવાઓને રોજગાર આપશે.

(12:25 pm IST)