Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

કોંગ્રેસ ખેડૂતો-યુવાનો પર ઓળઘોળ થશેઃ આકર્ષક ઢંઢેરો તૈયાર

ભાજપના પ્રચારના મુદ્દા ઝાંખા પાડી દયે તેવી યોજનાઓ લાવવાનો પ્રયાસઃ આવતા અઠવાડિયે ધમાકેદાર જાહેરાત : દેશની સુરક્ષા અને મહિલા સશકિતકરણને પણ પ્રાધાન્યઃ કોંગ્રેસની સરકાર આવશે તો વચનપત્ર એ જ એજન્ડા : કોંગ્રેસે હમણા જીતેલા ૩ રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબુદીની જાહેરાતનો અમલ કરી દીધો છે

રાજકોટ તા.૩૦: ભારતની લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે અને છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન ૧૯ મે- ના દિવસે છે. પ્રથમ ચરણના ચૂંટણી પ્રચારે વેગ પકડયો છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા આકર્ષક વચનો આપી રહયા છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રપ કરોડ જેટલા ગરીબ મધ્યમ વર્ગના લોકોને દર મહિને રૂા. ૧૨ હજારની આવકની ખાતરી આપતી ન્યાય યોજના જાહેર કર્યા બાદ હવે નિષ્ણાંતો દ્વારા આકર્ષક ચૂંટણી ઢંઢેરાને આખરી ઓપ અપાઇ રહયો છે. ઢંઢેરો આવતા અઠવાડિયે સંભવત મંગળવારે જાહેર કરવામાં આવશે. જેમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે બેરોજગારી સામે બાથ ભીડાવતી મોહક યોજનાઓ આવી રહયાના નિર્દેષ છે.

કોંગ્રેસના ટોચના વર્તુળોના નિર્દેષ મુજબ ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે. પાક વીમો, પોષણક્ષમ ભાવ,ખેતી માટે જરૂરી સાધન-સામગ્રી વગેરે મુદ્દા ધ્યાને રાખી કોંગ્રેસે ખેડૂતો ખુશ થઇ જાય તેવું વચન આપવાનું મન બનાવ્યું છે.

કોંગ્રેસે હમણા જીતેલા ૩ રાજ્યોમાં ખેડૂતોના દેવા નાબુદીની જાહેરાતનો અમલ કરી દીધો છે. દેશભરના ખેડૂતોને આ પ્રકારનું આકર્ષક વચન અપાય તેવી સંભાવના છે.દેશમાં ગરીબી, બેરોજગારી મોટી સમસ્યા છે. તેથી યુવાનોને રોજગારીના ક્ષેત્રે વિશેષ કંઇક આપવાની વાતનો સમાવેશ થઇ રહયો છે. દેશની સુરક્ષાનો મુદ્દો પણ સમાવિષ્ટ કરવામાં આવશે. મહિલા સશકિતકરણ માટે આપેલા સૂચનોના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મોટા વચનની ભેટ આપે તેવી પ્રબળ શકયતા છે.

મોદી સરકારે પ વર્ષની કામગીરી અને ભાવનાત્મક મુદ્દાઓના આધારે પ્રચાર ઉપાડયો છે. તેની સામે કોંગ્રેસે ભાજપના મુદ્દાઓની અસર ખાળવા અભૂતપૂર્વ ચૂંટણી ઢંઢેરો બનાવ્યાનું કોંગી વર્તુળોનું કહેવું છે. ૧૨ હજારની આવકવાળી યોજનાની જાહેરાત પૂર્વે ક્ષેત્ર નિષ્ણાંતો સાથે શ્રેણીબધ્ધ બેઠકો યોજવામાં આવી હતી. મુદ્દો ફુટીને ભાજપ સુધી પહોંચી ન જાય તે માટે ચૂંટણી ઢંઢેરાના બદલે અલગથી વહેલી તેની જાહેરાત કરી દેવામાં આવ્યાનું મનાય છે. ખુદ રાહુલ ગાંધી ચૂંટણી ઢંઢેરાના એક એક મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી રહયા છે. જો કેન્દ્રમાં કોંગ્રેસના વડપણની સરકાર આવે તો ચૂંટણી વખતનું વચનપત્ર જ સરકારનો એજન્ડા બનશે તેવો લોકોને વિશ્વાસ આપવામાં આવશે. કોંગ્રેસના ઘોષણાપત્રના ગાજતા મેઘ કેવા વરસે છે? તે તો જાહેરાત વખતે સામે આવી જશે.

(11:40 am IST)