Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

લાલુના કહેવાથી હું કોંગ્રેસમાં જોડાયો : શત્રુધ્‍ન સિંહા

નવી દિલ્‍હી તા. ૧ : ભાજપના બે વખતના પટના સાહિબના સાંસદ અને ફિલ્‍મ કલાકાર શત્રુઘ્‍ન સિંહાએ રવિવારે એવી બડાશ મારી હતી કે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને આમ આદમી પક્ષના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પોતાને એમના પક્ષમાં લેવા માગતા હતા, પણ પોતે ભાજપ છોડીને પોતાના કૌટુંબિક મિત્ર આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના કહેવાથી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

શત્રુઘ્‍નએ જણાવ્‍યું હતું કે પોતે ગમે તે હિસાબે પટનાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માગે છે અને ભાજપે એ માટે ટિકિટ ન આપી માટે પોતે એ એકશનનું રિએકશન કોંગ્રેસમાં જોડાઇને તથા ભાજપ સામે ચૂંટણીમાં ઊભા રહીને દાખવશે. એપ્રિલની છ તારીખે શત્રુઘ્‍નએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરવા સાથે જ કોંગ્રેસના અને પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીના ભારોભાર વખાણ કરવા શરૂ કરી દીધા છે. પાછલા કેટલાય સમયથી અસંતુષ્ટ શત્રુઘ્‍ન ભાજપ અને ખાસ તો વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સતત ટીકા કરતા રહ્યા છે.

એમણે જણાવ્‍યું હતું કે લાંબા સમયના પોતાના પક્ષ ભાજપને છોડતા તથા પક્ષના લાલકૃષ્‍ણ અડવાની, મુરલી મનોહર જોશી, અરુણ શૌરી અને યશવંત સિંહા જેવા વરિષ્ઠ નેતાઓ સાથેની વર્તણૂકથી પોતાને ઘણું દુઃખ થયું છે.આ સાથે હવે અચાનક શત્રુને કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રાષ્ટ્રીય પક્ષ દેખાવા માંડયો છે.આ વિશે એમણે જણાવ્‍યું હતું કે કોંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ છે અને એમાં જોડાવાના અનેક કારણોમાં એક તો એ ઘણો જૂનો પક્ષ છે તથા એ પક્ષના મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ તથા નહેરુ-ગાંધી પરિવારના મહાન નેતાએ દેશના સ્‍વાતંત્ર્ય અને વિકાસમાં મોટો ફાળો નોંધાવ્‍યો છે.

(10:36 am IST)