Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ત્રીજી ટેસ્ટમાં ભારત પર પરાજયનો ખતરો :નાથન લિયોને સૌથી વધુ 8 વિકેટ ઝડપી :ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 76 રનની જરૂર

ચેતેશ્વર પૂજારાએ 59 રન અને જ્યારે શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા: બૉર્ડર-ગાવસ્કરની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત 2-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટની બીજા દિવસની રમત સમાપ્ત થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની બીજી ઇનિંગ 163 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર નાથન લિયોને સૌથી વધુ 8 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે 76 રનની જરૂર છે.બૉર્ડર-ગાવસ્કરની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત 2-0થી આગળ છે.  

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇન્દોર ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની બીજી ઇનિંગમાં 163 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત પણ પૂર્ણ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 88 રનની લીડ મેળવી હતી. આ લીડને ઉતાર્યા પછી ટીમ ઇન્ડિયાએ કાંગારૂ ટીમ વિરૂદ્ધ 76 રનનો પડકાર સેટ કર્યો છે. હવે ચોથી ઇનિંગની રમત મેચના ત્રીજા દિવસે શરૂ થશે.

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માટે ચેતેશ્વર પૂજારાએ 59 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા, સ્પિનર નાથન લાયને કહેર મચાવતી બોલિંગ કરી હતી અને તેને 64 રન આપીને 8 વિકેટ પોતાના નામે કરી હતી.

 

ટેસ્ટ ક્રિકેટમાં લિયોને ભારત વિરૂદ્ધ 9મી વખત 5 વિકેટ હૉલ લીધી છે, તેને અત્યાર સુધી 118 ટેસ્ટ મેચમાં 31.11ની એવરેજથી 479 વિકેટ પોતાના નામે કરી છે, તેમનો સ્ટ્રાઇક રેટ 64.17નો રહ્યો છે. લિયોનની સર્વશ્રેષ્ઠ બોલિંગ 8/50ની રહી છે.

તે એશિયાના મેદાનમાં સૌથી વધુ વિકેટ લેનાર ગેર એશિયન બોલર પણ બની ગયો છે, તેને અત્યાર સુધી એશિયન મેદાન પર કુલ 137 વિકેટ લઇને શેન વોર્નનો રેકોર્ડ તોડ્યો છે.

 

ડિસેમ્બર 2022માં લિયોન મુરલીધરન પછી 450 વિકેટ ઝડપનાર ટેસ્ટ ક્રિકેટમાં માત્ર બીજો ઓફ સ્પિનર બન્યો હતો. તે પછી અશ્વિન આ યાદીમાં સામેલ થયો હતો. લિયોન કરતા વધારે ટેસ્ટમાં મુરલીધરન (800), શેન વોર્ન (708), એન્ડરસન (685), અનિલ કુંબલે (619), સ્ટુઅર્ટ બ્રૉડ (576), ગ્લેન મેકગ્રાથ (563) અને કર્ટની વોલ્શ (519) વિકેટ ઝડપી છે.

 

(6:43 pm IST)