Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થવાથી ખેડૂતો નારાજ : લાસલગાંવમાં હરાજી અટકાવી દીધી

ડુંગળીનો ભાવ 2 રૂપિયાથી લઇને 4 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો જેના કારણે ખેડૂતોમાં રોષ

નાસિક: ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થવાથી નારાજ ખેડૂતોએ સોમવારે મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ખાતે ડુંગળીની હરાજી અટકાવી દીધી હતી. ડુંગળીનો ભાવ 2 રૂપિયાથી લઇને 4 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ છે

ધ પ્રિન્ટ મુજબ, ડુંગળીના ઉત્પાદકોના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક પ્રતિ ક્વિન્ટલ 1,500 રૂપિયાની ડુંગળી સબસિડી જાહેર કરવી જોઈએ અને તેમની પેદાશ 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવી જોઈએ, નહીં તો તેઓ નાશિક જિલ્લાના લાસલગાંવ APMC ખાતે તેની હરાજી તેને ફરી શરૂ થવા દઈશું નહીં.

સોમવારના રોજ બજાર ખુલતાની સાથે જ હરાજીની પ્રક્રિયા શરૂ થતાં જ ડુંગળીનો લઘુત્તમ ભાવ 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મહત્તમ ભાવ 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરેરાશ ભાવ 400-450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

જે બાદ મહારાષ્ટ્ર રાજ્ય કાંડા ઉત્પાદક સંગઠનના નેતૃત્વમાં નારાજ ખેડૂતોએ ડુંગળીની હરાજી અટકાવી દીધી અને આંદોલન શરૂ કર્યું.

અગાઉ શનિવારે (25 ફેબ્રુઆરીએ) 2,404 ક્વિન્ટલ ડુંગળી એપીએમસીમાં પહોંચી હતી અને તેની કિંમત લઘુત્તમ રૂ. 351, મહત્તમ રૂ. 1,231 અને સરેરાશ રૂ. 625 પ્રતિ ક્વિન્ટલ હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ ઓનિયન ગ્રોવર્સ એસોસિયેશનના નેતા ભરત દિખોલે જણાવ્યું હતું કે, “સરકારે રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન ડુંગળી માટે ક્વિન્ટલ દીઠ રૂ. 1,500ની સબસિડીની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ અને અત્યારે રૂ. 3, 4, 5 પ્રતિ કિગ્રા વેચાતી ડૂંગળીના રૂ. 15 થી રૂ. 20 પ્રતિ કિલોના ભાવે ખરીદવી જોઈએ. જો આ બંને માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો લાસલગાંવ એપીએમસીમાં કાંદાની હરાજી શરૂ થશે નહીં.

(11:17 pm IST)