Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઘરે-ઘરે જઇને લોકોને સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનું સત્ય જણાવશે આપ પાર્ટીના ધારાસભ્યો

5 માર્ચથી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય દિલ્હીમાં ફરીને અભિયાન ચલાવશે: આપના ધારાસભ્ય અને કાર્યકર્તા નુક્કડ સભા પણ કરશે

નવી દિલ્હી: દિલ્હીની નવી દારૂ નીતિ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ પછી દિલ્હી સરકારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. CBIની ધરપકડ પછી સિસોદિયાએ પદ પરથી રાજીનામું આપ્યુ છે, તેમની સાથે મની લૉન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. આ બન્નેના રાજીનામાને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે મંજૂર કર્યા છે,બે સીનિયર નેતાના રાજીનામા પછી આપ નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેનાને મંત્રી બનાવવાની મંજૂરી આમ આદમી પાર્ટીએ આપી છે.

 કેજરીવાલે બન્નેનેતાઓના નામ દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને મોકલી દીધા છે. બીજી તરફ સિસોદિયાની ધરપક઼ડ અને રાજીનામા બાદ સર્જાયેલા રાજકીય સંકટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપના ધારાસભ્ય અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સિસોદિયાની ધરપકડ પછી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઘરે-ઘરે જઇને લોકોને સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનું સત્ય જણાવશે. પાર્ટી તેની માટે 5 માર્ચથી અભિયાન શરૂ કરશે. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય દિલ્હીમાં ફરીને અભિયાન ચલાવશે. આ અભિયાનમાં આપના ધારાસભ્ય અને કાર્યકર્તા નુક્કડ સભા પણ કરશે.

અત્યારે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના વિભાગની જવાબદારી કૈલાશ ગહેલોત અને રાજકુમાર આનંદ પાસે છે. આ પહેલા સૌરભ ભારદ્વાજ કેજરીવાલની 49 દિવસની પ્રથમ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રહી ચુક્યા છે. આતિશી માર્લેના એજ્યુકેશન સેક્ટરમાં સિસોદિયાના સલાહકાર રહ્યા છે.

આ પહેલા દારૂ નીતિ કેસમાં સિસોદિયાને સોમવારે સ્પેશ્યલ કોર્ટે પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. તે પછી સિસોદિયા મંગળવારે સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા, ત્યા પણ તેમણે રાહત મળી નહતી. તેના થોડી વાર પછી જ તેમણે રાજીનામું આપ્યુ હતુ. આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં મનીષ સિસોદિયાને ઇમાનદાર કહેવામાં આવ્યા છે પરંતુ તેમના રાજીનામા પછી કેટલાક સવાલ પણ ઉભા થઇ રહ્યા છે.

(6:38 pm IST)