Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર: ટીમ ઇન્ડિયા માત્ર અઢી કલાકમાં ઓલઆઉટ

ભારતીય ક્રિકેટ ટીમ 109 રનમાં ઓલ આઉટ:ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા :કાંગારૂ ટીમે 47 રનની લીડ મેળવી: રવિન્દ્ર જાડેજાએ ઝડપી તમામ 4 વિકેટ

ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ 109 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. તે પછી ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગના આધાર પર કાંગારૂ ટીમે 47 રનની લીડ મેળવી લીધી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (12) અને શુભમન ગિલ (21) મોટી ઇનિંગ રમી શક્યા નહતા. તે પછી ચેતેશ્વર પૂજારા (1) રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર (0), રવિન્દ્ર જાડેજા (4), શ્રીકર ભરત (17) પણ સસ્તામાં આઉટ થયા હતા.

ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ (22) રન બનાવ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ કુહ્યમૈને 5 વિકેટ ઝડપી હતી.

પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા મેથ્યૂ કુહ્યનમેને 9 ઓવર બોલિંગ કરી હતી જેમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કુહ્નમેને રોહિત શર્મા અને શુભમન ગિલની વિકેટ ઝડપીને ભારતની ઓપનિંગ જોડીને સારો સ્કોર કરવા દીધો નહતો. તે પછી તેને શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવને આઉટ કર્યા હતા. આ વચ્ચે તેને 2 ઓવર મેઇડન પણ ફેકી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડના જલ્દી આઉટ થયા પછી ઉસ્માન ખ્વાજાએ એક છેડો સંભાળી રાખ્યો હતો, તેને 102 બોલમાં પોતાની ટેસ્ટ કરિયરની 21મી અડધી સદી ફટકારી હતી. તેને 147 બોલમાં 4 ફોરની મદદથી 60 રન બનાવ્યા હતા. તે જાડેજાની બોલ પર આઉટ થયો હતો. ભારતમાં આ તેની બીજી ટેસ્ટ અડધી સદી છે.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજાને એકમાત્ર સફળતા મળી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ 4 વિકેટ ઝડપી હતી. જાડેજા સિવાય અન્ય કોઇ બોલર સફળ રહ્યો નહતો.

(6:33 pm IST)