Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ઈન્‍ટરનેટ બંધ કરવામાં ભારત સતત પાંચમા વર્ષે વિશ્વમાં ટોચ પર

ગત વર્ષ ૨૦૨૨માં ભારતમાં કુલ ૮૪ ઈન્‍ટરનેટ શટડાઉન થયું હતું: વૈશ્વિક સ્‍તરે, ભારતમાં ૫૮ ટકા શટડાઉન થયા છે

નવી દિલ્‍હી, તા.૧: સતત પાંચમા વર્ષે ભારત વિશ્વભરમાં ઈન્‍ટરનેટ સેવાઓ બંધ કરવામાં મોખરે છે. ઈન્‍ટરનેટ સેવા બંધને લઈને મંગળવારે જાહેર કરાયેલા વૈશ્વિક રેન્‍કિંગ રિપોર્ટમાં આ વખતે પણ ભારતને પ્રથમ સ્‍થાન મળ્‍યું છે. ઈન્‍ટરનેટ એડવોકેસીના ક્ષેત્રમાં કામ કરતી એજન્‍સી Access Now અને KeepItOnના સંયુક્‍ત રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૨માં ભારતમાં સૌથી વધુ વખત ઈન્‍ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. રિપોર્ટ અનુસાર, વિરોધ પ્રદર્શન, પરીક્ષાઓ અને ચૂંટણી સહિત અન્‍ય ઘણા કારણોસર ભારત સરકારે ઈન્‍ટરનેટ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે વર્ષ ૨૦૧૬થી વિશ્વભરમાં ઈન્‍ટરનેટ બંધ થવાના કુલ કેસોમાંથી લગભગ ૫૮ ટકા એકલા ભારતમાં થયા છે. ગત વર્ષ ૨૦૨૨માં વિશ્વભરમાં ઇન્‍ટરનેટ બંધ થવાના કુલ ૧૮૭ કેસ નોંધાયા હતા. તેમાંથી ૮૪ કેસ ભારતમાં નોંધાયા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૨માં ભારતમાં કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરમાં સૌથી વધુ ૪૯ ઈન્‍ટરનેટ બંધ થયા હતા. જમ્‍મુ અને કાશ્‍મીરમાં વર્ષ ૨૦૨૨માં જાન્‍યુઆરીથી ફેબ્રુઆરી વચ્‍ચે અથવા બે મહિનામાં એક પછી એક ૧૬ વખત ઈન્‍ટરનેટ બંધ કરવામાં આવ્‍યું હતું. અને રાજસ્‍થાનમાં અલગ-અલગ પ્રસંગોએ ૧૨ વખત ઈન્‍ટરનેટ બંધ કરવામાં આવ્‍યું હતું. પશ્‍ચિમ બંગાળમાં ૭ વખત ઈન્‍ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૨૧ માં, ખેડૂત આંદોલન દરમિયાન, રાષ્‍ટ્રીય રાજધાની નવી દિલ્‍હીમાં લાંબા સમય સુધી ઇન્‍ટરનેટ બંધ રહ્યું હતું. તે વર્ષે, વિશ્વભરમાં કુલ ૩૦,૦૦૦ કલાક માટે ઇન્‍ટરનેટ બંધ કરવામાં આવ્‍યું હતું. તેના કારણે ૫.૪૫ અબજ ડોલર એટલે કે લગભગ ૪૦,૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ સાથે જ દુનિયાભરમાં ઈન્‍ટરનેટ બંધ થવાને કારણે ૫.૯ કરોડ લોકો ખરાબ રીતે -ભાવિત થયા છે. નુકસાનના મામલામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે હતું. વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૧,૧૫૭ કલાક ઇન્‍ટરનેટ બંધ રહ્યું હતું.

રિપોર્ટ અનુસાર ભારતમાં ૨૦૧૬થી સતત ઈન્‍ટરનેટ બંધ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, ટેલિકોમ સેવાઓના અસ્‍થાયી સસ્‍પેન્‍શન (જાહેર કટોકટી અથવા જાહેર સલામતી) નિયમો, ૨૦૧૭ હેઠળ ઇન્‍ટરનેટ શટડાઉન ઓર્ડર આપવામાં આવે છે. DoT દ્વારા બનાવવામાં આવેલા નિયમો જણાવે છે કે ઇન્‍ટરનેટનું કામચલાઉ સસ્‍પેન્‍શન જાહેર કટોકટી અથવા જાહેર સલામતીના કારણેૅ હોઈ શકે છે. દેશમાં ઈન્‍ટરનેટ બંધ કરવાની સત્તા કેન્‍દ્ર અને રાજ્‍ય સ્‍તરે ગળહ મંત્રાલય પાસે છે.

(4:10 pm IST)